પાલનપુર : ડીસાના થેરવાડા ગામની આંગણવાડી જર્જરીત, બાળકોના માથે ભમતું મોત
- આંગણવાડીનું મકાન નવું બનાવવા માટે ગ્રામજનોની રજૂઆત
પાલનપુર : એક તરફ રાજ્ય સરકાર બાળકોને છ વર્ષ પછી ધોરણ એક માં પ્રવેશ આપવાનું ફરજિયાત કરી ત્યાં સુધી આંગણવાડીમાં ભણાવવાની હિમાયત કરી રહી છે. પરંતુ અનેક આંગણવાડીઓના મકાનો જર્જરીત હોવાથી વાલીઓ બાળકોને આંગણવાડીમાં મુકતા ખચકાઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામની આંગણવાડીનું મકાન એકદમ જર્જરીત થયેલું હોય નવું મકાન બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલી આંગણવાડીનું મકાન ખૂબ જ જૂનું હોય જર્જરીત થઈ ગયું છે. મકાનની દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે.ત્યારે આ આંગણવાડીમાં બેસતા બાળકોના માથે મોત ભમી રહ્યું હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ગ્રામજનોએ અવારનવાર આંગણવાડીનું મકાન નવું બનાવવા અરજી કરેલી છે. પરંતુ હજુ સુધી તાલુકા પંચાયત દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. તાલુકા પંચાયત દ્વારા ગ્રામજનોને એમ જણાવ્યું છે કે, પહેલા આંગણવાડી ડિમોલિશન કરવાની અરજ કરો ત્યારબાદ જ આંગણવાડીનું મકાન નવું બનશે.
થેરવાડા ગામની આંગણવાડીમાં મકાન જર્જરિત હોવાથી આંગણવાડી કાર્યકર અને તેગડાગર બહેનો પણ અહીં બેસતા ખચકાય છે. મકાન પડું પડું થઈ રહ્યું હોવાથી મમતા દિવસ સહિતની કામગીરી પણ થઈ શકતી નથી. બાળકોને હાલમાં ગામની પાંચ કિલોમીટર દૂર ખુલ્લામાં બેસાડવા પડે તેવી સ્થિતિ છે. જેથી આંગણવાડી કાર્યકર બહેનોએ પણ આ મકાન નવું બને તે માટે વિનંતી કરી છે.
સરકારે બાળકોને છ વર્ષનું થાય ત્યારબાદ જ ધોરણ એક માં પ્રવેશ આપવાનું ફરજિયાત બનાવ્યું છે. ત્યાં સુધી બાળકોને આંગણવાડીમાં મૂકવા હિમાયત કરી છે પરંતુ આંગણવાડીના મકાનો જર્જરીત હોવાથી વાલીઓ પણ પોતાના બાળકને આંગણવાડીમાં બેસાડવા કે નહીં તે અસમંજસતા સેવી રહ્યા છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં સ્વામી લીલાશાહની 143મી જન્મ જયંતિ ઉજવાશે