પાલનપુર : ડીસા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયું અભ્યાસલક્ષી નાટક


પાલનપુર : ડીસાની ડી. એન. પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજ રોજ સેમિસ્ટર-3 ના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ પ્રા. તૃપ્તિબેન પટેલના માર્ગદર્શનમાં અભ્યાસક્રમલક્ષી નાટકની ભજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર થાય તે હેતુથી યુનિવર્સીટી દ્વારા બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયમાં મધ્યકાલીન સાહિત્યકાર શામળની નીતિવિષયક પદ્યવાર્તા ” નંદબત્રીસી ” મુકવામાં આવી છે. પ્રસ્તુત વાર્તાને કોલેજના વિદ્યાર્થીઓએ નાટક સ્વરૂપે ભજવી હતી.
જેમાં દેસાઈ અંકેશે રાજા નંદની, ચૌધરી હીનાએ પદમીનીની , ઠાકોર મેઘએ પોપટની, ઠક્કર જીલે પ્રધાન વૈલોચનની, જયદીપે દ્વારપાળની, મીનલે માળીની, ડિમ્પલે ધોબીની, શૈલેષે રાજકુમારની તથા ચૌહાણ વિશ્વાએ સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. સમસ્ત કાર્યક્રમની સુંદર ફોટોગ્રાફી શાહ સુજલે કરી હતી. વર્ગના વિદ્યાર્થીઓએ કાર્યક્રમને વધાવ્યો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિઓનો વિકાસ થાય તથા ટીમવર્ક દ્વારા સ્વયંશિસ્ત ખેલદિલી તથા કોઈ પણ વિષયની યોગ્ય રજુઆત કરતાં શીખે તે હતો.