પાલનપુર: ભીનમાલની બસ ડીસા આવતી ન હોવા છતાં પણ પરીક્ષાર્થીઓનું રિઝર્વેશન કરી નાખ્યું, છેવટે છાત્રોની દોડધામ
પાલનપુર: ગુજરાતમાં રવિવારે બપોરે 03:00 વાગ્યાથી ટેટ -2 ની પરીક્ષા લેવાનાર હતી. જેમાં પરીક્ષાર્થીઓ સમયસર પહોંચે તે માટે અગાઉથી તેઓ રિઝર્વેશન કરાવતા હોય છે. પરંતુ ડીસા થી અમદાવાદ જતા 25 થી વધુ પરીક્ષાર્થીઓનું ડીસાથી રિઝર્વેશન કરાવેલું હોવા છતાં પણ તેમની બસ આવી ન હતી. છેવટની ઘડીએ છાત્રોને દોડધામ કરવી પડી હતી. આ કિસ્સામાં ડીસા એસટી ડેપોની ઘોરબેદરકારી છતી થવા પામી છે.
25 જેટલા પરીક્ષાર્થીઓને અમદાવાદ ટેટ -2 ની પરીક્ષા આપવા પહોંચવાનું હતું.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડીસાના પ્રવીણ બારોટ, સુનિલ પરમાર, અમરત ડાભી, સોહેલ મેમણ સહિત 25 થી વધુ પરીક્ષાાર્થીઓને અમદાવાદ ટેટ-૨ની પરીક્ષા આપવા જવાનું હતું. આ વિદ્યાર્થીઓએ ભિનમાલથી અમદાવાદ જઈ રહેલી બસમાં રિઝર્વેશન કરાવેલું હતું. આ બસ ભીનમાલ વાયા ડીસા, પાલનપુર, મહેસાણા અને ત્યાંથી અમદાવાદ આ રૂટ ઉપર જાય છે તેવું રિઝર્વેશનમાં જણાવ્યું છે. જેથી છાત્રો રવિવારે સવારે 8:30 કલાકે ડીસા આવતી આ બસની રાહ જોઈને બેઠા હતા. પરંતુ સમયસર બસ આવી ન હતી.
છાત્રો સમયસર પરીક્ષા માટે નહીં પહોંચી શકે તો જવાબદારી કોની ?
જ્યારે છાત્રોએ બસ સ્ટેન્ડમાં તપાસ કરતા આ બસ બારોબાર દાંતીવાડાથી પાલનપુર થઈને અમદાવાદ જાય છે. તેવું જાણવા મળતાં પરીક્ષાર્થીઓ ચિંતામાં મુકાયા હતા, અને દોડધામ કરી ખાનગી વાહનમાં વધુ ભાડું આપીને પાલનપુર પહોંચ્યા હતા, જ્યાંથી આ બસ પકડી હતી. આ બસમાં કંડક્ટરે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ભીનમાલ- અમદાવાદ બસ 20 વર્ષથી આ રૂટ ઉપર જ જાય છે. જો ભીનમાલ -અમદાવાદ બસ ડીસા આવતી ન હોય તો રિઝર્વેશન કેવી રીતે કરાયું તે એક પ્રશ્ન છે અને પરીક્ષાર્થીઓ પરીક્ષામાં મોડા પહોંચે જેના કારણે તેમને પરીક્ષા માં બેસવા ના મળે તો તેની જવાબદારી કોની ? તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
જ્યારે એસ.ટી વિભાગના રિઝર્વેશન કરનારા અને બેદરકારી દાખવનાર સામે એસટી તંત્રએ પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. આ અંગે એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓએ અમારું ધ્યાન દોર્યું છે આ અંગે સોમવારે ઓફિસમાં તપાસ કરાવીશું.ત્યારે નિષ્કાળજી દાખવનારાઓની સામે પગલાં લેવા જરૂરી છે. જેનાથી ભવિષ્યમાં કોઈ પરીક્ષાર્થીઓને મુશ્કેલી પડે નહીં.
આ પણ વાંચો :“ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ જ આજે પાંજરામાં” : CR પાટીલ