પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના મુદ્દાથી વ્યથિત સુનિલ બ્રહ્મભટ્ટે આપ્યું રાજીનામું

પાલનપુર: લાખો માઇ ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા માં અંબાના મંદિરમાં આઠ-આઠ દિવસ થયા છતાં મોહનથાળના બંધ કરવામાં આવેલા પ્રસાદને હજુ સુધી શરૂ કરવામાં આવ્યો નથી. જેને લઈને દર્શને આવતા હજારો માઈ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. બીજી તરફ હિન્દુ સંગઠનો એ તંત્રને અલ્ટીમેટમ આપેલું છે. તો ક્યાંક અંબાજી શહેરમાં કાળી પટ્ટી પહેરીને તંત્રના તઘલગી નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
છેલ્લા આઠ દિવસથી મોહનથાળ નો બંધ પ્રસાદ શરૂ ન કરાતા દુઃખી થયા હતા
શહેરમાં મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવા ઠેર ઠેર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે અંબાજી ભાજપના સક્રિય કાર્યકર અને અંબાજી શહેર ભાજપના ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે મોહનથાળના પ્રસાદ ના બંધ કરવાના મુદ્દાથી વ્યથિત હૃદયે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
View this post on Instagram
બ્રહ્મભટ્ટ અંબાજી શહેર ભાજપના ઉપપ્રમુખ હતા
સુનીલ બ્રહ્મભટ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે અંબાજી મંદિરના પરિસરમાં ઊભા રહીને જણાવ્યું હતું કે, માં અંબાની સાક્ષીએ અને ચાચર ચોકમાંથી જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી હું જોડાયેલો રહ્યો છું. તે પક્ષના પ્રાથમિક સભ્ય પદ અને ઉપપ્રમુખ પદેથી હું રાજીનામું આપું છું. પક્ષની સેવા કરતા કરતા આજે આઠ દિવસથી મોહનથાળ બંધ થયો છે પરંતુ કોઈ પદાધિકારી કે અધિકારીએ કોઈપણ પ્રકારનું હજુ સુધી નિવેદન આપ્યું નથી. એટલું જ નહીં સક્રિયતા પણ દાખવી નથી. જેથી મારી લાગણી દુભાઈ છે. માં અંબાના લાખો- કરોડો ભક્તોની શ્રદ્ધાને છેતરવાનું કામ કર્યું છે. જેનાથી હું ખૂબ જ વ્યથિત છું. તેમ જણાવીને તેમને રાજીનામાની જાહેરાત કરી હતી. જેના પગલે આગામી દિવસોમાં અંબાજી શહેર ભાજપમાંથી હજુ વધુ રાજીનામા પડવાની શક્યતાઓ વ્યકત થઈ રહી છે.
માં અંબાને મહાપ્રસાદ ધરાવાયો
જ્યારથી અંબાજી મંદિરમાં માં અંબાનો મોહનથાળ નો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. ત્યારથી અલગ -અલગ ધાર્મિક સંસ્થાઓ અને મા અંબાના માઈ ભક્તો દ્વારા મોહનથાળનો મહાપ્રસાદ બનાવીને મા અંબાને ધરાવવામાં આવી રહ્યો છે. જેમાં શુક્રવારે પાલનપુરના અરૂણભાઇ ભાર્ગવના ગ્રુપ દ્વારા મા અંબાને મોહનથાળ નો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
હવે વીએચપી શનિવારે કરશે ધરણાં
જગતજનની માં અંબાને પ્રસાદ તરીકે મોહનથાળ જ ભાવે, ચીકી નહીં. અંબાજી માતાના શક્તિપીઠની ઓળખ જ આ મોહન થાળ છે. આ બદલાવ સામે અનેક સંસ્થાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોકભાઈ રાવલના નેતૃત્વમાં શનિવારે અંબાજી મંદિર પરિસર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, અને તંત્ર દ્વારા કરાયેલા આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવામાં આવનાર છે. આમ દિવસે દિવસે આ વિરોધ વધી રહ્યો છે. પરંતું તંત્ર દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની હજુ સુધી કોઈ જ પ્રકારની હીલચાલ જોવા મળતી નથી. જેને લઇને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બની શકે છે.
આ પણ વાંચો :અમિત શાહની અમદાવાદને ભેટ, 96.81 કરોડના ખર્ચે તૈયાર થયેલ સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ