પાલનપુર : ડીસાના ઝેરડામાં આધેડની કરપીણ હત્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ
પાલનપુર : ડીસા તાલુકાના ઝેરડા ગામે બુધવારે રાત્રે જમીન લે -વેચ ના ધંધા સાથે સંકળાયેલા આધેડની કરપીણ હત્યા કરાયા બાદ આરોપીઓને પકડવા પોલીસની અનેક ટીમોએ કવાયત હાથ ધરી છે. પોલીસ હજુ સુધી શકમંદોની તપાસ કરી રહી છે. આ મામલે હજુ સુધી કોઈની અટકાયત કરાઈ નથી.
એલસીબી, એસઓજીની પોલીસ ટીમોની આરોપીઓને પકડવા કવાયત
ડીસા તાલુકાના ઝેરડા ગામે રહેતા પરબતભાઈ ડાયાભાઈ ગળસોરની બુધવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ઝેરડા બસ સ્ટેન્ડથી તેઓના ઘર સુધીના રસ્તા પર જતા અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર પરબતભાઈ ગળસોર જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા હોવાથી તેમની હત્યા જમીન પ્રકરણમાં થઈ છે કે કેમ કે અન્ય કોઈ કારણસર કરવામાં આવી છે તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તેઓ હજુ થોડા થોડા દિવસ અગાઉ જ જમીન પ્રકરણમાં એક કેસ જીત્યા હોવાથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવેલા શંકાસ્પદ નામો સિવાય પોલીસે મોબાઈલ અને ટેકનિકલ સર્વેન્સના આધારે પરબતભાઈ ના સંપર્કમાં આવેલા લોકોની પણ શંકા ના આધા રે પૂછપરછ કરી છે જો કે આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની અટકાયત કરી નથી.
આ પણ વાંચો : પાલનપુર : હોળીના પર્વને લઈને ડીસામાં ધાણી ખજૂરના સ્ટોલ લાગ્યા