પાલનપુર : બાકીદારો સામે કાર્યવાહી, ધનિયાણા ચોકડી પર શ્રી ઉમા ડેવલોપર્સની 25 દુકાનો કરાઈ સીલ
- *શોપિંગના પ્રથમ માળની દુકાનનો રૂ.1.77 લાખ બાકી કર ભરપાઈ ન કરાતા કાર્યવાહી
પાલનપુર : પાલનપુર શહેરમાં કેટલાક મિલકત ધારકો દ્વારા નગરપાલિકાના વેરાની ભરપાઈ કરવામાં ન આવતી હોઇ પાલિકાના ચોપડે બાકીદારો અને તેમના બાકી લહેણાની યાદી સતત વધી રહી હોઇ નગરપાલિકા દ્વારા મિલકત ધારકોના બાકી કરની વસૂલાત કરવા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના અંબાજી હાઇવે પર ધનિયાણા ચોકડી પર આવેલ શ્રી ઉમા ડેવલોપર્સમાં શોપિંગ સેન્ટરના પ્રથમ માળની 25 દુકાનો સીલ કરી સ્થળ પર 15 હજારના બાકી કરની વસૂલાત કરવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના બિનરહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગર પાલિકાનો વેરા ન ભરતા ઇસમો સામે નગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમાં શહેરના અંબાજી હાઈવે પર ધનીયાણા ચોકડી પાસે આવેલ શ્રી ઉમા ડેવલોપર્સ પાલનપુર નામની પેઢીના ભાગીદારો વાળી બિન રહેણાંક શોપિંગના પ્રથમ માળની 25 દુકાનોનો રૂ.1,77,525 કર બાકી હોય આ વેરો ભરવા નોટિસો આપવા છતાં પણ વેરો ભરવામાં ન આવતા આખરે નગરપાલિકાની ટીમે આ દુકાનોના બાકી કર ની વસૂલાત માટે વેરા વસુલાત ઝુંબેશ યોજીને આ શોપિંગની 25 દુકાનો સીલ કરવામાં આવી હતી, તેમજ સ્થળ ઉપરથી રૂ. 15 હજારના બાકી કર ની વસુલાત કરવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા બાકી કર મામલે દુકાનોને સીલીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં જે લોકોનો વેરો બાકી હશે તેના નળ કનેક્શન કાપવા સહિતની કામગીરીને લઇ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.પાલનપુર નગરપલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલીકા દ્વારા બાકી કર મામલે બિન રહેણાંક મિલકતમાં દુકાન, પેઢી સીલ કરવામાં આવશે. અને રહેણાંક વિસ્તારમાં મકાનો ના નળ જોડાણ કાપી વેરાની વસુલાત કરવામાં આવશે.
આ પણ વાંચો : ચંડીસર HPCL ટર્મિનલ્સની પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી: ઇમજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ