ઉત્તર ગુજરાત

પાલનપુર -આબુરોડ હાઇવે બંધ પાંચ કિલોમીટર વાહનોની લાગી કતાર

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં વરસાદના એલર્ટ વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમીરગઢ, દાંતા, વડગામ,ડીસા, પાલનપુર, ભીલડી અને ધાનેરા પંથકમાં ભારે વરસાદના પગલે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે પાલનપુર- આબુરોડ હાઈવે પર સાઈબાબા મંદિર નજીકનો વિસ્તાર ચાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને 12 કલાકથી વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતાર લાગી છે.

પાલનપુર -ડીસામાં નીચાણ વાળા અનેક ઘરમાં પાણી ઘુસ્યા

પાલનપુર નજીક બાલારામ નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. પાણીનું વહેણ વધતા જ દર્શનાર્થિઓ અને યાત્રિકોને નદી નજીક ન જવા માટેની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને પાંચ વર્ષ અગાઉ વર્ષ 2017 માં આવેલા નદીના પૂરની લોકો યાદ તાજી કરી રહ્યા છે.
જ્યારે યાત્રાધામ અંબાજીમાં પણ બે દિવસથી ધોધમાર વરસાદથી માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. અહીંની જૂની કોલેજમાં વરસાદી પાણી ભરાતા કેમ્પસ તળાવમાં તકદીલ થઈ ગયું હતું.

પાલનપુરની લડબી નદીમાં પણ પાણી આવતા શહેરની ચાણક્યપુરી સોસાયટીમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. જ્યારે કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં પણ પાણી મહોલ્લામાં વચ્ચે થઈને તે જ ગતિએ વહેતા પાણીના પ્રવાહમાં કેટલાક સ્કૂટર જેવા વાહનો પાણીમાં તણાયા હતા. અહીંના રેલ્વે ધોબીઘાટ માનસરોવર માર્ગો પરનું નાળું ઓવરફલો થતા આસપાસના કેટલાક મકાનોમાં તેના પાણી ઘૂસી જતા મકાનની અંદર થઈને પાણી બહાર નીકળ્યા હતા.

ડીસા શહેરના રેજીમેન્ટ વિસ્તારમાં આવેલી શ્રીનાથ, પિંક સોસાયટી અને તિરૂપતિ સોસાયટીના માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા. રાણપુર રોડ ઉપર આવેલી સોસાયટીના રહીશો જેના કારણે હાલાકીમાં મુકાયા છે.

જ્યારે ડીસા તાલુકાના દામા, માલગઢ અને વરણ ગામ બેટમાં ફેરવાયા છે. વર્ષ 2017 માં પણ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા. હાઈવે પર ત્રણથી ચાર ફૂટ પાણી વહી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પણ ધોવાયા છે. કેટલાક ગામોના સંપર્કો પણ તૂટી ગયા છે. જ્યારે દાંતીવાડા, વડગામ અને ડીસા તાલુકાના કેટલાક ગામડાઓના માર્ગને બંધ કરવાની ફરજ પડી છે. તો તૂટી ગયેલા માર્ગોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડગામ તાલુકાના તેનીવાડામાં એક મકાન ધરાશાહી થતાં એક યુવતીનું મોત થયું હોવાનું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હોવાનો જાણવા મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લા કલેકટર આનંદ પટેલે નાગરિકોને ભયજનક સ્થળો ઉપર ન જવા માટે અપીલ કરી છે. તેમ જ કોઈપણ મુશ્કેલી માટે સ્થાનિક કક્ષાએ તંત્રનો તેમજ જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની પાણીની સપાટી બપોરે 2:30 વાગ્યા સુધીમાં 582 ફૂટના સ્તરે પહોંચી છે. અને ૮૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે વડગામ તાલુકાના મોકેશ્વર ડેમમાં 15000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ડેમમાં હવે નોંધપાત્ર આવક શરૂ થવા પામી છે.

Back to top button