પાલનપુર : ડીસામાં થયેલા જીવલેણ હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત
- બે યુવકો પર ધારિયા, તલવાર, કુહાડી વડે હુમલો કરાયો હતો
પાલનપુર : ડીસામાં પાંચ દિવસ અગાઉ જીવલેણ હુમલાની ઘટનામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. બે યુવકો પર ધારિયા, તલવાર અને કુહાડી વડે હુમલો કરાયો હતો જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની અટકાયત કરી છે.
ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતા મનોજ ઠાકોર અને અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર પર પાંચ દિવસ અગાઉ ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ફોન પર અપશબ્દો બોલવા બાબતે થયેલા ઝઘડામાં સમાધાન માટે બોલાવ્યા બાદ અચાનક હુમલો કર્યો હતો. જેમાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા પરંતુ માથાના ભાગે કુહાડીના ઘા વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત અંકિત ઉર્ફે માઈકલ ઠાકોરનું પાલનપુર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.
જેથી પોલીસે અને તેના પરિવારજનોએ મૃતકની લાશને પી એમ અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાને પગલે મૃતક ના પરિવારજનો માં ભારે આક્રોશ ફેલાયો હતો અને હત્યારાઓ ને તાત્કાલિક પકડી ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. તો બીજી તરફ હુમલા બાદ નોંધાયેલી ફરિયાદ મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે અત્યાર સુધી હુમલો કરનારા રાહુલ સોની, રાહુલ ઠાકોર અને મુકેશ સોની સહિત ચાર શખ્સોની અટકાયત કરી છે જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ ફરાર છે, જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો :પાલનપુર : દાંતીવાડા BSF દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા ખાતે કરાયું ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન