પાલનપુર : જુની પેન્શન યોજના લાગુ કરવા મહારેલી યોજાશે
પાલનપુર: બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા દ્વારા જુની પેન્શન યોજના શરૂ કરવા અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બનાસકાંઠા જિલ્લા સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ સંજય દવેના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે આગામી તા.૦3 સપ્ટે 22ના રોજ યોજાનાર કર્મચારીઓની મહારેલીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે મોરચાના પ્રમુખ સંજય દવેએ મકકમતા પૂર્વક જણાવ્યું કે, જુની પેન્શન યોજના કર્મચારીઓનો અધિકાર છે. એ અમે મેળવીને જ ઝંપીશું.જૂની પેન્શન યોજના સહિત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં રસ્તા પર ઉતરીને જલદ લડત આપવામાં આવશે. નિવૃત્તિ પછી કર્મચારીઓને લાચાર કે ઓસીયાળું જીવન ન જીવવુ પડે તેનો આધાર જુની પેન્શન યોજના છે. ત્યારે કર્મચારીઓ પોતાના હિત અને આવનારા ભવિષ્યની ચિંતા કરી દરેક કર્મચારીઓને આ મહારેલીમાં જોડાવાની અપીલ કરી જણાવ્યું હતું કે, 3 સપ્ટે.22 ના રોજ યોજાનાર આ મહારેલીમાં જિલ્લાના 20 હજાર કરતા વધારે કર્મચારીઓ જોડાશે.
મહારેલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાશે
ગુજરાત રાજય કર્મચારી મહામંડળની મળેલી બેઠકમાં રાજયના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની સુચના મુજબ જુની પેન્શન યોજના અને અન્ય પડતર માંગણીઓ બાબતે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ રાજ્યના તમામ સંવર્ગના કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરાવા માટે સમગ્ર રાજ્ય સહિત પાલનપુર ખાતે આગામી તા. 3 સપ્ટેમ્બર 22, શનિવારના રોજ જિલ્લાના કર્મચારીઓ મહારેલી યોજીને કલેકટરશ્રીને આવેદનપત્ર આપશે.
બનાસકાંઠાના 24 મંડળોનું સમર્થન
આ રેલી બપોરે 1:30 કલાકે પાલનપુર ખાતે બ્રાહ્મણવાડી- જહાંનારા બાગથી પ્રસ્થાન કરી ગલબાકાકા સર્કલ, ગઠામણ ગેટથી નિકળી કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદનપત્ર આપશે. આ રેલીમાં જોડાવા બનાસકાંઠા જિલ્લાના તમામ 24 મંડળોએ સમર્થન આપ્યું છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, તલાટી મંડળ, ખેતી, ગ્રામસેવક, કે. નિરિક્ષક, આરોગ્ય, વર્ગ -4, ડ્રાઈવર , માઘ્યમિક, ઉચ્ચત્તર માઘ્યમિક, વહીવટી, આચાર્ય સંઘ, કલા સંઘ, વ્યાયામ મંડળ, વર્ગ -3, મહેસુલ, ટેકનીકલ, રેવન્યુ તલાટી મંડળો જોડાશે.