પાલનપુર : ડીસા બગીચા સર્કલ પાસે ટ્રાફીક-જામ સર્જાતાં વાહનોની લાગી લાંબી કતારો
- ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
પાલનપુર : કેન્દ્ર સરકાર દ્વારા ડીસા હાઇવે પર ટ્રાફીક સમસ્યાને દૂર કરવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવેલ છે. જેને લઈને થોડા સમયથી હાઈવે પરથી ટ્રાફીક સમસ્યામાંથી શહેરજનોએ છુટકારો મેળવ્યો છે. પરંતુ શહેરના આડેધડ વાહનોનું પાકિગ તેમજ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડ સાથે ભારે વાહનોની અવરજવર અને ગેરકાયદેસર દબાણોના કારણે શહેરમાં આજે પણ ટ્રાફીક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. જેને લઈને વારંવાર ટ્રાફીક જામ સર્જાતાં શહેરજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આજે બગીચા સર્કલ પર બપોરના સમયે ભારે ટ્રાફીક જામ સર્જાતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં નગરપાલિકા કચેરીની સામેના ભાગમાં એક ટ્રક ચાલક દ્વારા દુકાનમાં માલસામાન ખાલી કરવા માટે રસ્તા વચ્ચે ટ્રક પાર્ક કરી કલાકો સુધી પડી રહેતાં અવર જવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ સ્થાનિક પોલીસે ચુપકીદી સેવી લેતાં શંકા કુશંકા ઉભી થઇ રહી છે.
સાથેસાથે બગીચા સર્કલ પાસે પાલનપુર અને પાટણ તરફની આવતી જતી એસટી બસ ડ્રાઈવરો પણ રસ્તા વચ્ચે એસટી બસો ઉભી રાખતાં વારંવાર ટ્રાફીક જામ સર્જાઈ રહ્યું છે.ત્યારે ડીસા નગરપાલિકા અને ટ્રાફીક પોલીસ દ્વારા શહેરજનોને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે શહેરમાં દિવસના સમયે ભારે વાહનો પર પ્રતિબંધ મુકી અને શહેરમાં અવરજવર કરતી એસટી બસો માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી ટ્રાફીક સમસ્યા માંથી શહેરજનોને છુટકારો અપાવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પાલનપુર : ફરવા જતા સહેલાણીઓ માટે માઉન્ટ આબુ બન્યું મીની કાશ્મીર, માઈનસ 0.5 ડિગ્રી ઠંડી