પાલનપુર : શ્રીમતી સાળવી પ્રાથમિક શાળામાં 749 બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ 268 કૃતિઓનું યોજાયું પ્રદર્શન
પાલનપુર : 28 મી ફેબ્રુઆરી 1928માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર સી.વી. રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી ‘રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1930માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી ભારત ભરમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવવામાં આવે છે.
આ વિશેષ પ્રસંગને યાદગા ર બનાવવા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની અનોખી રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બ.કાં.જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હંસાબેન પટેલ,હિન્દુલે કેમિકલ્સમાંથી નિતુલભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે શાળા ખાતે યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં આ શાળાનાં ધો.1 થી 8 નાં કુલ 749 બાળ વૈજ્ઞાનિકોએ જાતે તૈયાર કરેલ 268 કૃતિઓ રજુ કરી હતી.જેને નિહાળવા શાળાના તમામ વાલીઓ હાજર રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત અને ગણિત-વિજ્ઞાન ના શિક્ષકો સહિત સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મહેસાણા : શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહલગ્નમાં 29 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા