પાલનપુર : ડીસા નવજીવન કોલેજમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં બનાવાઈ 150 વાનગીઓ


- સ્પેશ્યલ જ્યુસ અને પરંપરાગત ઔષધીય પાકોની વાનગીઓ તૈયાર કરાઈ હતી
પાલનપુર : ડીસામાં શ્રી નવજીવન બીએડ કોલેજ ખાતે ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું. જેમાં શિયાળામાં બનાવવામાં આવતા સ્પેશ્યલ જ્યુસ અને પરંપરાગત ઔષધીય પાકો સહિત કુલ 150 પ્રકારની વાનગીઓ બનાવી તાલીમાર્થી અને શિક્ષકોએ સામુહિક સ્વાદ માણ્યો હતો.
ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્. કોલેજમાં ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થી ભાઈ -બહેનોએ પરંપરાગત વાનગીઓ તૈયાર કરી તેની સુંદર રીતે સજાવટ કરી હતી. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે તે બનાવવામાં આવી હતી. પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા.
આ અંગે આચાર્ય ડૉ. સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું કે, સામાજિક સમરસતાનો વિકાસ થાય તેમજ સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી. ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલી વાનગીઓ અને પરંપરાગત વાનગીઓથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થાય તે આ વાનગી સ્પર્ધાનો હેતુ રહ્યો હતો.
જેમાં 150 થી વધુ વાનગીઓનો સ્વાદ તાલીમાર્થીઓએ માણ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડૉ. અમિતકુમાર સોલંકી,જયેશભાઈ ઠક્કર, નિરવભાઈ પરમાર, અમિતભાઈ ઠાકર ,રમેશભાઈ પટેલ, લાઇબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યના મુખ્યમંત્રીના નામની થઈ સત્તાવાર જાહેરાત, ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ જ ફાઈનલ