પાલનપુર : વાવની જોરડીયાળી- તખતપુરા કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું, પાક પાણીમાં થયો ગરકાવ
- ખેડૂતોના ખેતરમાં જીરું અને એરંડાના પાકમાં પાણી ફરી મળતા નુકસાન
- ખેડૂતોની પાક નુકસાનીનું વળતર આપવા કરી માંગ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલ કાગળની જેમ તૂટી ગઈ હતી. પરિણામે ખેતરોમાં પાણી ફરી મળતા ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ પાક નુકસાનીના વળતરની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા પાનસડા ગામ પાસેની જોડણીયાળી – તખતપુરા માઇનોર કેનાલમાં 10 થી 15 ફૂટ જેટલો મોટું ગાબડું પડી ગયું હતું. જેથી કેનાલના પાણી નજીકમાં આવેલા હાજાભાઈ વીરમાભાઈ પટેલ અને મોગજીભાઈ કાળાજી ના ખેતરમાં ફરી વળ્યા હતા. સતત પાણી ખેતરોમાં ભરાતા ખેતરમાં વાવેતર કરેલા જીરું અને એરંડાનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.
જેને લઈને બંને ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો આવ્યો છે. મહેનત કરીને ખેડૂતોએ વાવેતર કરેલા શિયાળું ના રોકડિયા પાક નિષ્ફળ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, અને તેમની હાલત કફોડી બનવા પામી છે. ખેડૂતો માંડ માંડ ખેતી કરીને પોતાના પરિવારનો નિભાવ કરતા હોય છે, ત્યારે કેનાલ તૂટવાના સિલસિલાથી પડતા ઉપર પાટુ સમાન બન્યું છે અને સમગ્ર પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.
જેને લઈને બંને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે તેવી માંગ ઉઠી છે. સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કેનાલ તુટવાનો સિલસિલો વધી રહ્યો છે. અને ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં કેનાલના પાણી ફરી વળતા ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
આ પણ વાંચો : પાલનપુર : પરંપરાગત ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર