ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ કેબિનેટની રચના સાથે જ શરીફ પરિવારમાં ફાંટા જોવા મળી રહ્યા છે. ઘણાં સમયની રાહ જોયા બાદ સત્તામાં આવેલા શહબાઝ શરીફે ભાઈ નવાઝ શરીફના નજીકના PMLના નેતાઓને સાઇડલાઇન કરી નાંખ્યા છે. નવા પાકિસ્તાની PMએ નવાઝ શરીફના માત્ર એક જ સમર્થકને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. કાકા શહબાઝ શરીફના આ દાવથી નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ ભડકી ઊઠી છે. તેણે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, શાહબાઝની કેબિનેટમાં મંત્રીઓની પસંદગી અને તેમના વિભાગોની વહેંચણીને લઈને પાર્ટીની અંદર ભાગલા પડી ગયા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, PMLNના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ કાકા શહેબાઝ શરીફથી ખુશ નથી. મરિયમનું કહેવું છે કે, શાહબાઝ શરીફે પાર્ટીના સુપ્રીમ લીડર નવાઝના નજીકના અને સમર્થકોના નામનો વિચાર કર્યો નથી. આ બધા જ નેતા ઘણાં સમયથી નવાઝ શરીફના એકદમ નજીક હતા જે ક્યારેક લંડનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.
PPPના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી લંડનમાં નવાઝને મળશે
સૂત્રોએ જણાવ્યું છે કે, શાહબાઝ શરીફે નવાઝ શરીફ કેમ્પના માત્ર એક સભ્ય જાવેદ લતીફને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. જાવેદે મંગળવારે શપથ ગ્રહણમાં પણ ભાગ લીધો નહોતો. તેમણે કહ્યું કે, નવાઝ શરીફનો સિદ્ધાંત ‘યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ મળવું જોઈએ’ જે કેબિનેટની પસંદગીમાં દેખાઈ આવતું નથી. નવાઝના નજીકના નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. નવાઝ કેમ્પનું કહેવું છે કે, ઈરફાન સિદ્દીકીને શિક્ષણ ક્ષેત્રે 25 વર્ષનો અનુભવ છે પરંતુ તેમને આ મંત્રાલય આપવામાં આવ્યું નથી.
બીજી તરફ PPE પણ શાહબાઝ શરીફની આ કેબિનેટથી ખુશ નથી. તેથી જ PPEના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શપથમાં ભાગ લીધો નહોતો. આટલું જ નહીં PPEના અન્ય એક નેતા મુસ્તફા નવાઝ ખોખરને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવતા ખુશ નથી. તેમણે મંત્રાલય સંભાળવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ કહે છે કે, જુનિયર નેતાઓને પ્રાધાન્ય આપીને તેમને સંઘીય મંત્રી બનાવી દીધા છે. PPEના સૂત્રોનું કહેવું છે કે, બિલાવલ લંડન જઈ રહ્યા છે અને ત્યાં તેઓ નવાઝ શરીફને મળશે અને કેબિનેટની રચના સામે પોતાનો વાંધો જણાવશે. PPEની નજર પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પદ અને પંજાબના ગવર્નર પદ પર છે.