ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શાહબાઝ શરીફના વકીલે સોમવારે જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન સોમવારે ભ્રષ્ટાચારના એક જૂના કેસમાં કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે, કોર્ટે શાહબાઝને સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાથી મુક્તિ આપી છે.
વકીલ અમજદ પરવેઝના જણાવ્યા અનુસાર, ભ્રષ્ટાચારનો આ કેસ લગભગ ચાર વર્ષ જૂનો છે. આ કેસ પૂર્વીય શહેર લાહોરમાં કરોડો ડોલરના હાઉસિંગ કૌભાંડ સાથે શરીફની કથિત કડીઓ સાથે સંબંધિત છે. પરવેઝે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત મામલો ગણાવી હતી. તેમણે કહ્યું કે, શરીફને તેમના પુરોગામી ઈમરાન ખાનની સરકાર દ્વારા આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તે સંપૂર્ણ નિર્દોષ છૂટની અપેક્ષા રાખે છે.
ફરિયાદીઓનો દાવો છે કે, શરીફ જ્યારે 2013થી 2018 સુધી પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો હતો. શાહબાઝ શરીફ પર તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ પાર્ટી સાથે જોડાયેલા લોકોને ઓછી આવક ધરાવતા નાગરિકો માટે આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા મકાનો આપવાનો આરોપ છે. શાહબાઝે આરોપોને નકારી કાઢ્યા છે.
શરીફ એપ્રિલમાં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. સંસદમાં અવિશ્વાસ મતમાં હાર્યા બાદ ઈમરાન ખાનને સત્તા પરથી હટાવનાર શરીફ ગઠબંધન હેઠળ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. 2018માં સત્તામાં આવેલા ખાને દાવો કર્યો હતો કે, તેણે ક્યારેય પોતાના રાજકીય વિરોધીઓને નિશાન બનાવ્યા નથી.