T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

યુએસએ સામે જીતવા રિઝવાનનો આ શરમજનક રેકોર્ડ આજે તૂટવો જરૂરી

12 જૂન, ન્યૂયોર્ક: T20 ક્રિકેટને આમ તો ફટાફટ ક્રિકેટ તરીકે જોવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ કે આ પ્રકારના ક્રિકેટમાં ફોર્સ અને સિક્સીઝનું પ્રમાણ વધુ હોવું જોઈએ. પરંતુ હાલમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માં ન્યૂયોર્કની પીચ અસમાન ઉછાળવાળી અને ધીમી છે આથી અહીં બેટિંગ સ્ટાઈલ બદલવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કેનેડા સામે પાકિસ્તાનના વિકેટ કીપર મોહમ્મદ રિઝવાને જે રીતે બેટિંગ કરી તેને આજે યુએસએ સામે જીતવા માટે ભારતીય બેટ્સમેનો કોપી કરે તો તેમની જીત નિશ્ચિત છે.

કેવી રીતે? ચાલો સમજીએ.

અત્યાર સુધી ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર જેટલી પણ મેચ રમાઈ છે તેમાં રન્સ કરતાં વિકેટો વધુ ઝડપથી પડી છે. આ પાછળનું કારણ પીચનું ધીમું હોવું અને ઉછાળ સમાન હોવો છે. જ્યારે કોઈ ટીમની એક વિકેટ પડે છે તો બીજી બે કે ત્રણ વિકેટો તુરંત પડી જાય છે કારણકે બેટ્સમેનોને પીચ સાથે ઓળખાણ કરતા સમય લાગે છે અને તેઓ સમય ગુમાવ્યા વગર ફટાફટ રન્સ બનાવવા માંગે છે કારણકે આ ફોર્મેટનું તેમના પર દબાણ છે.

પરંતુ ગઈકાલે કેનેડાએ આપેલા 106 રન્સના ટાર્ગેટને પાકિસ્તાને આમ તો 17.3 ઓવર્સમાં જ ચેઝ કરી લીધો હતો પરંતુ વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 53 બોલ્સમાં 53 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દ્વારા રિઝવાને પોતાના નામે એક શરમજનક રેકોર્ડ બનાવી લીધો હતો. આ રેકોર્ડ હતો આ T20 World Cupમાં સહુથી ધીમી હાફ સેન્ચુરી બનાવવાનો.

રિઝવાન અગાઉ સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરે 50  બોલમાં હાફ સેન્ચુરી બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો જેને ગઈકાલે રિઝવાને તોડી નાખ્યો હતો. રેકોર્ડ શરમજનક હોવા છતાં રિઝવાને એક છેડો સુરક્ષિત રાખ્યો હતો જેના કારણે જે એક પછી એક વિકેટો પડતી હતી તે પડી ન હતી.

એવું લાગે છે કે ગઈકાલે રિઝવાને તમામ ટીમોના બેટ્સમેનોને સંદેશ આપી દીધો છે કે ન્યૂયોર્કની આ પીચ પર આ જ રીતે  બેટિંગ કરશો તો જ તમારી ટીમ સારો સ્કોર બનાવી શકશે અથવાતો નાના સ્કોરને ચેઝ કરી શકશે. જોકે રિઝવાને ભારત સામે પણ આવી જ બેટિંગ કરી હતી પરંતુ બુમરાહ સામે એક આત્મઘાતી શોટ મારવાથી તે આઉટ થઇ ગયો હતો.

તો શું રિઝવાનની ગઈકાલની બેટિંગ પરથી ધડો લઈને આજે યુએસએ સામે જીતવા ભારતના ટોચના બેટ્સમેનો જેવા કે રોહિત શર્મા અથવા તો વિરાટ કોહલીમાંથી એક આ પ્રકારની બેટિંગ કરશે? જો બંનેમાંથી એક બેટ્સમેન પણ આ રીતે બેટિંગ કરશે તો ટીમ ઇન્ડિયા માટે વિજયની રાહ આસાન થઇ શકે છે.

Back to top button