ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મુંબઈ હુમલાના ગુનેગાર પાકિસ્તાની આતંકીએ હાર્ટ એટેકમાં જીવ ગુમાવ્યો

  • પાકિસ્તાની આતંકી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો ડેપ્યુટી ચીફ હતો

લાહોર, 27 ડિસેમ્બર, 2024: 26/11 મુંબઈ હુમલાનો ગુનેગાર અને પાકિસ્તાની આતંકી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી હાર્ટ એટેકમાં માર્યો ગયો છે. તે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો ડેપ્યુટી ચીફ હતો. તેને ભારત શોધી રહ્યું હતું. તે પાકિસ્તાનમાં રહેતો હતો.

 

મળતી માહિતી મુજબ, મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સંબંધી અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હતો. જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો અને લાહોરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

કોણ છે અબ્દુલ રહેમાન મક્કી?

અબ્દુલ રહેમાન મક્કીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં થયો હતો. મક્કી લાંબા સમયથી હાફિઝ સઈદની ખૂબ નજીક હતો તે લશ્કર અને જમાત-ઉદ-દાવા (JuD)માં પણ ઘણા મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યો છે. મક્કીએ રાજકીય વડા અને લશ્કર માટે ભંડોળ એકત્ર કરવા જેવા કાર્યો પણ સંભાળ્યા. તે લશ્કરની ગવર્નિંગ બોડી શૂરાનો મેમ્બર પણ હતો.

મક્કીને 2000માં લાલ કિલ્લા અને 2008માં મુંબઈની તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલા માટે ભારતીય એજન્સીઓ દ્વારા આરોપી ગણવામાં આવ્યો હતો. US નાણા વિભાગે તેને 2010માં વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો.

વર્ષ 2020માં સજા સંભળાવવામાં આવી હતી

JuDના એક અધિકારીએ જણાવ્યું કે, મક્કીને આજે શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો અને તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. JuD ચીફ હાફિઝ સઈદના સંબંધી મક્કીને 2020માં આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં છ મહિનાની જેલની સજા ફટકારી હતી. મક્કી જેયુડીનો ડેપ્યુટી ચીફ હતો અને તેને આતંકવાદના કેસમાં સજા થયા બાદ તેની બહુ ચર્ચા થઈ ન હતી.

વર્ષ 2023માં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો

પાકિસ્તાન મુત્તાહિદા મુસ્લિમ લીગ (PMML)એ એક નિવેદનમાં કહ્યું કે, મક્કી પાકિસ્તાની વિચારધારાનો સમર્થક હતો. મક્કીને 2023માં યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, જેના હેઠળ તેની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી, મુસાફરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને હથિયાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતની સાથે બીજા ઘણા દેશો પણ મક્કીની શોધમાં હતા.

મુંબઈ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા

મહત્ત્વપૂર્ણ છે કે, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 26 ડિસેમ્બર 2008ના રોજ મુંબઈમાં હુમલો કર્યો હતો. જેમાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા. એપ્રિલમાં સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે,માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પણ બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

આ પણ જૂઓ: પાકિસ્તાન પર મોટો ખતરો મંડરાયો, તાલિબાને ઈસ્લામાબાદ સામે યુદ્ધની કરી ઘોષણા

Back to top button