સ્પોર્ટસ

મોહમ્મદ આમિર પર આવી આફત; T20 વર્લ્ડ કપ નહીં રમી શકે

Text To Speech

7 મે, લાહોર: વર્લ્ડ કપ માટે દરેક ટીમો તૈયારીમાં લાગી ગઈ છે. અમુક ટીમો એક બીજા સામે દ્વિપક્ષીય સિરીઝ રમીને મેચ પ્રેક્ટીસ કરવા લાગી છે. પાકિસ્તાન પણ આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે દ્વિપક્ષીય T20 સિરીઝ રમવાનું છે. આ સિરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં મોહમ્મદ આમિર પણ સામેલ કરવામાં આવ્યો છે.

પરંતુ મોહમ્મદ આમિરનો કલંકિત ભૂતકાળ તેની સામે આવ્યો છે. મોહમ્મદ આમિર ઇંગ્લેન્ડમાં સ્પોટ ફિક્સિંગ કરતા પકડાઈ ગયો હતો. આ ગુના હેઠળ મોહમ્મદ આમિરને સસ્પેન્ડ તો કરવામાં આવ્યો હતો પરંતુ ઇંગ્લેન્ડની કોર્ટમાં તેની સામે કેસ પણ ચાલ્યો હતો.

આ કેસ બાદ મોહમ્મદ આમિરને સજા થઇ હતી અને તેણે અમુક વર્ષો જેલમાં પણ કાઢ્યા હતા. આમ તો ICC દ્વારા આમિરને જીવનભર માટે કોઇપણ પ્રકારના સ્પર્ધાત્મક  ક્રિકેટ રમવાથી બેન કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે તેની નાની ઉંમરને ધ્યાનમાં રાખતા PCBએ ICCને બેન હટાવી દેવાની વિનંતી કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી હતી.

ત્યારબાદ પણ આમિરે અમુક વર્ષ પાકિસ્તાન માટે ક્રિકેટ રમીને પછી PCBના અંદરના ડખાઓને કારણે વહેલી નિવૃત્તિ લઇ લીધી હતી. પરંતુ થોડા મહીના અગાઉ PCBએ ફરીથી તેને વિનંતી કરી અને મોહમ્મદ આમિર નિવૃત્તિમાંથી બહાર આવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા લાગ્યો હતો.

પરંતુ હવે જ્યારે T20 વર્લ્ડ કપની પ્રેક્ટીસ માટે પાકિસ્તાની ટીમ આયરલેન્ડ જવા નીકળી ગઈછે ત્યારે મોહમ્મદ આમિરના વિસા આયરલેન્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી. આને કારણે આમિર હજી પાકિસ્તાનમાં જ છે. એક રિપોર્ટ અનુસાર મોહમ્મદ આમિર ઇંગ્લેન્ડમાં ગુના બદલ સજા ભોગવી ચૂક્યો છે એટલે આયરલેન્ડે તેને વિસા આપ્યા નથી.

જો કે PCBનું માનવામાં આવે તો એક-બે દિવસમાં આમિરને વિસા મળી જશે. પરંતુ જો આમિરને વિસા ન મળ્યા તો પછી તેનું T20 વર્લ્ડ કપમાં રમવું અઘરું થઇ જશે. કારણકે આમ તો પાકિસ્તાને તેના 15 ખેલાડીઓની ઘોષણા કરી દીધી છે પરંતુ જો આયરલેન્ડ અને પછી ઇંગ્લેન્ડના વિસા પણ આમિરને નહીં  મળે તો વગર પ્રેક્ટીસ તેને વર્લ્ડ કપમાં રમાડવો પાકિસ્તાની ટીમ માટે અઘરું રહેશે.

હવે દડો આયરલેન્ડ સરકારની કોર્ટમાં છે અને એ જોવું રસપ્રદ છે કે મોહમ્મદ આમિરને એક-બે દિવસમાં વિસા મળશે કે નહીં.

Back to top button