કચ્છની ક્રીકમાંથી પાકિસ્તાની માછીમાર ઘૂસણખોર પકડાયો

- અગાઉ માર્ચમાં એક યુવાન ઝઘડીને ભારતમાં ઘુસી આવ્યો હતો
ભુજ, 14 જુલાઇ 2025: Fisherman Intruder ભારત અને પાકિસ્તાનની સરહદે દલદલવાળી લખપતવાળી ક્રિક સરહદમાંથી અંદાજે 17 વર્ષનો પાકિસ્તાની ઘુસણખોર પકડાયો છે. સુરક્ષા એજન્સીની તપાસમાં વિશેષ વિગતો સામે આવી નથી પરંતુ પાકિસ્તાની માછીમાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સનું પેકેટ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. અબડાસા તાલુકાની સાંઘી જેટી પાસે આવું એક પેકેટ પકડાયું હતું.
બીએસએફે પકડ્યો, પોલીસને સોંપ્યો
લખપતવાળી ક્રીકમાંથી આજે એક પાકિસ્તાની ઘૂસણખોરને બી.એસ.એફ.ના જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી લીધો હતો. આ ઘૂસણખોરની સઘન પૂછતાછ જારી હોવાનું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બીએસએફે તેને પોલીસને સોંપ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે માછીમાર લાગી રહ્યો છે. અગાઉ માર્ચ માસમાં પણ ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગીને પાકિસ્તાની એક કિશોર વયનો યુવક ઘરથી ઝઘડીને છેક ખાવડા બાજુના સોલાર પાર્ક સુધી પહોંચી આવ્યો હતો.
સાંઘી પાસે બિનવારસુ ચરસનું પેકેટ મળ્યું
વધુમાં, અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસનું એક પેકેટ પેટ્રાલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં મળી આવ્યું હતું. બીએસએફની ટીમ પેટ્રાલિંગ દરમિયાન સાંઘી જેટી નજીક આવેલા દરિયાકિનારાની કાદવ- કીચડવાળી જગ્યાએ શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પેકેટ પર ભીની માટી અને દરિયાઇ રેતી લાગેલી હતી. માર્કામાં સિંહનું ચિત્ર તથા તેની બન્ને બાજુ ફૂલ જેવી ડિઝાઈન જોવા મળી હતી. બીએસએફ દ્વારા વાયોર પોલીસ સ્ટેશને જમા કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત: BJP ના ધારાસભ્ય સરકારી બાંધકામમાં હપ્તા લે છે, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખનો આરોપ
આ પણ વાંચો: સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવાના ઠરાવ જાહેર












