પાકિસ્તાની કોર્ટે ઈમરાન ખાન-બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યાં
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 27 ફેબ્રુઆરી: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. પાકિસ્તાનની કોર્ટે 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દોષિત ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન હાલમાં અન્ય કેસમાં જેલમાં છે. તેઓ ભ્રષ્ટાચારના 2 કેસમાં દોષિત ઠર્યા છે. જેને પગલે બંનેને 10 વર્ષ માટે રાજકારણમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરાયા છે.
ઈમરાન અને તેની પત્નીને અન્ય એક કેસમાં સજા
આ સાથે કોર્ટે ઈમરાન અને પત્ની બુશરા બીબીને બીજા કેસમાં પણ સજા ફટાકારી છે. કોર્ટે બંનેને 7 વર્ષની જેલની સજા સંભળાવી હતી. બંનેને નિકાહ દરમિયાન ઇસ્લામિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે આ નિર્ણય બુશરા બીબીના પહેલા પતિ ખાવર માનેકાની અરજી પર આપ્યો હતો. વાસ્તવમાં, માનેકાએ આરોપ મૂક્યો હતો કે ઇમરાન અને બુશરાએ ઇસ્લામિક નિયમો અનુસાર બે લગ્નો – ઇદ્દત (બીજા લગ્ન પહેલાંના અમુક સમયગાળાનો અંતર) વચ્ચેની ફરજિયાત શરતનું પાલન કર્યું નથી. મેનકાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે બુશરા અને ઈમરાન વચ્ચે લગ્ન પહેલા અનૈતિક સંબંધો હતા. આ કેસમાં ઈમરાન અને તેની પત્ની પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ઈમરાન ખાનની ઓગસ્ટમાં ધરપકડ કરાઈ હતી
ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. તેમના પર ઘણા ગંભીર આરોપો છે, પરંતુ ઈમરાન હંમેશા આ આરોપોને નકારી રહ્યા છે. તેમના પર સરકારી ભેટ વેચવાનો આરોપ હતો. આ કેસમાં તેને રાવલપિંડી સેન્ટ્રલ જેલમાં ત્રણ વર્ષ સુધી કેદની સજા ફટકારવામાં આવી હતી. તેઓ પાકિસ્તાનના સાતમા વડાપ્રધાન છે જેમની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોઈ પણ વડાપ્રધાન પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. અહીં, લશ્કરી હસ્તક્ષેપ અને અન્ય કારણોસર સરકારો બદલાતી રહી છે અને તખ્તાપલટ થતી રહી છે.
આ પણ વાંચો: ઈમરાન ખાનની પાર્ટીમાં મોટી ઉથલપાથલ, ગોહર અલી ખાનને PTI અધ્યક્ષ પદથી હટાવ્યા