પાકિસ્તાની ભિખારીઓએ વધાર્યું સાઉદી અરેબિયાનું ટેન્શન, જાણો શું છે સમગ્ર મામલો
- સાઉદી અરેબિયાએ પાકિસ્તાનથી ઉમરાહની આડમાં ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી
રિયાધ, 25 સપ્ટેમ્બર: સાઉદી અરેબિયા પાકિસ્તાનના ભિખારીઓથી પરેશાન છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનથી ઉમરાહની આડમાં ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી સરકારે કડક વલણ દાખવતા પાકિસ્તાનને કહ્યું છે કે, આવા લોકો (ભિખારી)ને અહીં આવતા પહેલા રોકે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના સૂત્રોને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યું કે, સાઉદી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ભિખારીઓને રોકવામાં અસમર્થ રહેશે તો તેની અસર પાકિસ્તાની ઉમરાહ અને હજ યાત્રીઓને થઈ શકે છે.
પાકિસ્તાન તેની પકડ વધુ કડક કરશે
આ ચેતવણી બાદ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, “સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને એક ચેતવણી જારી કરીને પાકિસ્તાની ભિખારીઓને ઉમરાહ વિઝા હેઠળ અખાતના દેશમાં પ્રવેશતા રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.” આ ચેતવણી બાદ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ‘ઉમરાહ એક્ટ’ લાવવાનો નિર્ણય કર્યો છે, જેનો હેતુ ઉમરાની વ્યવસ્થા કરતી ટ્રાવેલ એજન્સીઓનું નિયમન કરવાનો અને તેમને કાયદાકીય દેખરેખ હેઠળ લાવવાનો છે.
પાકિસ્તાનીઓ સાઉદી જઈને ભીખ માંગે છે!
આ મામલે સાઉદીના રાજદૂત નવાફ બિન સૈદ અહેમદ અલ-મલિકી સાથેની બેઠકમાં ગૃહમંત્રી મોહસિન નકવીએ તેમને ખાતરી આપી હતી કે, સાઉદી અરેબિયામાં ભિખારીઓ મોકલવા માટે જવાબદાર માફિયાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ નેટવર્કને તોડી પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેને ગૃહમંત્રી મોહસીનનું કહેવું છે કે તેનાથી પાકિસ્તાનની છબીને નુકસાન થયું છે. પાકિસ્તાની ભિખારીઓ ઉમરાની આડમાં અખાતી દેશમાં જાય છે અને પછી ભીખ માંગે છે.
આશ્ચર્યજનક કિસ્સો
તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભિખારીઓ સાથે જોડાયેલો એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યા છે. અહીં પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લામાં એક બેભાન ભિખારીના ખિસ્સામાંથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે આ ભિખારી પાસે પાસપોર્ટ પણ હતો જેમાં તે ઘણી વખત સાઉદી અરેબિયા ગયો હોવાનું નોંધવામાં આવ્યું હતું. પાસપોર્ટ મળ્યા બાદ સ્પષ્ટ થયું કે, ભિખારી ભીખ માંગવા સાઉદી અરેબિયા જતો હતો.
આ પણ જાણો
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઈદના અવસર પર પાકિસ્તાનનું કરાચી શહેર એક અલગ જ પ્રકારની મુશ્કેલીમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું. ઈદ નિમિત્તે કરાચીમાં ભિખારીઓની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વ્યસ્ત બજારો, મુખ્ય માર્ગો, ટ્રાફિક સિગ્નલ, શોપિંગ મોલ અને મસ્જિદોની બહાર દરેક જગ્યાએ લાખોની સંખ્યામાં ભિખારીઓ જોવા મળ્યા હતા. તે સમયે કરાચીમાં હાજર ભિખારીઓની સંખ્યા ચાર લાખથી વધુ હોવાનું કહેવાય છે.
આ પણ જૂઓ: ચીનથી હતાશ થયેલી આ ઉત્પાદન કંપની હવે ભારતમાં એક અબજ ડૉલરનું મૂડીરોકાણ કરશે