ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ટીવી એન્કર અને પૂર્વ સાંસદ આમિર લિયાકતના મૃત્યુનું રહસ્ય ઘેરાઈ ગયું છે. તેમના મૃત્યુને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનની કોર્ટે આદેશ આપ્યો છે કે, લિયાકતના મૃતદેહને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવે. વાસ્તવમાં તેમના મૃત્યુ પછી ચાહકોએ ઘણી આશંકા વ્યક્ત કરી હતી. તેમાંથી અબ્દુલ અહેમદ નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી.
એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મિલકત માટે લિયાકતની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાનની સેલિબ્રિટીઓ નથી ઈચ્છતી કે લિયાકતના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવે. તેઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સરકારી વકીલે એમ પણ કહ્યું છે કે, લિયાકતનો પરિવાર મૃતદેહને બહાર કાઢવા અને પોસ્ટમોર્ટમ કરાવવા માંગતો નથી.
લિયાકતની ત્રીજી પત્ની સામે અરજી
એક NGOએ આમિર લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહ વિરુદ્ધ અરજી કરી છે અને કાર્યવાહીની માગણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિયાકત કેટલાક દિવસોથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. એક દિવસ તેને સવારે બેચેની લાગી. તે ચીસો પાડવા લાગ્યો. રૂમ બંધ હતો. નોકરે દરવાજો તોડ્યો અને જોયું કે તે મરી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. તે થોડા દિવસોથી ખૂબ જ તણાવમાં હતો.