ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટક વિધાનસભામાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા, ફોરેન્સિક પુરાવા મળ્યા

Text To Speech

કર્ણાટક, 01 માર્ચ 2024: કર્ણાટકમાં રાજ્યસભાના સાંસદ નસીર હુસૈનની જીત બાદ વિધાનસભાની બહાર પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. હવે આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટક વિધાનસભાની બહાર ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા. ઈન્ડિયા ટુડેના એક સમાચારમાં ફોરેન્સિક રિપોર્ટનો દાવો રજૂ કરવામાં આવ્યો છે.

સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે કોંગ્રેસના ઉમેદવારની રાજ્યસભાની જીતની ઉજવણી દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ફોરેન્સિક નિષ્ણાતોએ તેની પુષ્ટિ કરી છે. રાજ્ય સરકારને સુપરત કરાયેલા અહેવાલમાં પણ વિડિયો અને ઑડિયો બંનેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ફૂટેજમાં છેડછાડ કરવામાં આવી નથી.

હાવેરીના પોલીસ અધિક્ષક અંશુકુમારે જણાવ્યું કે આ મામલામાં પૂછપરછ માટે મોહમ્મદ શફીક નશીપુડીની અટકાયત કરવામાં આવી છે. હાવેરીના સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, “27 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક વિધાનસભામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવાના સંબંધમાં વિધાના સૌધા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં એક શંકાસ્પદ મોહમ્મદ શફીક નશીપુડીની બેંગલુરુ પોલીસે અટકાયત કરી છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો 27 ફેબ્રુઆરીએ મોડી સાંજે પ્રકાશમાં આવ્યો હતો. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા સૈયદ નસીર હુસૈનની જીતની ઉજવણી દરમિયાન અચાનક પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. ભાજપના નેતાઓએ આને લગતો વિડીયો મુકીને ભારે હંગામો મચાવ્યો હતો. 27મી ફેબ્રુઆરીની મોડી રાત્રે ભાજપના નેતાઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ આરોપો પર નસીર હુસૈને ત્યારે કહ્યું હતું કે ઉજવણી દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા ન હતા. ભીડ નસીર હુસૈન જિંદાબાદ કહી રહી હતી.

Back to top button