પાકિસ્તાનની ટીમ પહોંચી સ્વદેશ, ઘરે પહોંચતાની સાથે જ ફરી એક વિકેટ
- પાકિસ્તાનની ટીમ ખરાબ પ્રદર્શનના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર
- પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ રમીને સ્વદેશ પહોંચી.
- ટીમના ઘરે પહોંચતાની સાથે જ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું
World Cup 2023: ભારત દ્વારા આયોજિત ICC ODI વર્લ્ડ કપ 2023ની ગ્રુપ સ્ટેજની મેચો પૂરી થઈ ગઈ છે. હવે સેમિફાઇનલ રાઉન્ડ શરૂ થશે. આ વખતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમની હાલત ખૂબ જ ખરાબ રહી છે. બાબર આઝમની કપ્તાનીમાં ટીમ 9 મેચમાંથી માત્ર 4 જ જીતી શકી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. પાકિસ્તાનની ટીમ પણ તેની છેલ્લી મેચ રમીને ઘરે પહોંચી ગઈ છે. ઘરે પહોંચતાની સાથે જ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
- ટીમના નવા બોલિંગ કોચની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
પાકિસ્તાનની ટીમ ઘરે પહોંચી, હસન અલી અહીં રોકાયો
પાકિસ્તાનની ટીમ ટુકડે-ટુકડે ઘર તરફ રવાના થઈ ગઈ છે. પ્રથમ બેચમાં 11 ખેલાડીઓ 12મી નવેમ્બરે સવારે 8.55 કલાકે રવાના થયા હતા. બાકીના ખેલાડીઓ તે જ દિવસે રાત્રે 8:20 વાગ્યે રવાના થયા હતા. તમામ ખેલાડીઓએ કોલકાતાથી ફ્લાઈટ લીધી હતી. બધા યુએઈ થઈને ઘરે પહોંચ્યા છે.
- ફાસ્ટ બોલર હસન અલી હમણાં ભારતમાં જ રહેશે, તેઓ 22મી નવેમ્બરે રવાના થશે. પાકિસ્તાન ટીમના કોચ મિકી આર્થર 13થી 16 નવેમ્બર સુધી UAEમાં રહેશે. આ પછી તે 16 નવેમ્બરે લાહોર જવા રવાના થશે.
તાજેતરમાં ઇન્ઝમામે પણ રાજીનામું આપ્યું હતું
તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફને મોકલ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
હારૂન રશીદના પદ છોડ્યા બાદ 53 વર્ષીય ઈન્ઝમામ-ઉલ-હકને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં PCBના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ત્રણ મહિનાથી પણ ઓછા સમય આ પદ પર રહ્યા. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ બંને રાજીનામા બાદ હજી ત્રીજી વિકેટ પણ બાબર આઝમની ટૂંક સમયમાં પડી શકે છે.
આ પણ વાંચો: World Cup 2023 : સેમિ ફાઈનલ કે ફાઈનલમાં મેચ ટાઈ થાય તો શું થશે ? જાણો નિયમ