પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીરની અટકાયત કરી છે. અગાઉ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) એ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદ મરી ગયો હોવાનો દાવો કર્યો હતો. નિષ્ણાતોના મતે પાકિસ્તાને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને સજા આપવાનું નાટક કર્યું છે.
એક અહેવાલ મુજબ, એફબીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે મીર પાકિસ્તાનમાં જીવિત છે, કસ્ટડીમાં છે અને તેને સજા થઈ છે. વર્ષ 2011માં મીરને FBI દ્વારા તેના પર 5 મિલિયન ડોલરના ઇનામ સાથે મોસ્ટ વોન્ટેડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. આતંકી સંગઠન લશ્કરના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાજિદ મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ કોલમેન હેડલી અને અન્ય આતંકવાદીઓનો હેન્ડલર હોવાનું મનાય છે.
FATF ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનું આયોજન
પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં સામેલ છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ ફરી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ સામે ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે.
અમેરિકાએ 50 લાખનું ઈનામ જાહેર કર્યું હતું
આતંકવાદી સાજીદ મીર લશ્કર-એ-તૈયબા માટે કામ કરતો હતો. અમેરિકન તપાસ એજન્સી FBIએ માહિતી આપી છે કે મીર 2001થી સક્રિય હતો. તેણે લશ્કર સાથે મળીને અનેક આતંકી હુમલાની યોજના ઘડી હતી. અમેરિકાએ તેના પર 50 લાખનું ઈનામ જાહેર કર્યું છે.