

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા પછી ભારત સાથેના સંબંધોમાં પણ પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે પીએમ મોદીને પત્ર લખીને બંને દેશોના વિવાદિત મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની આશા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરેન્દ્ર મોદીના અભિનંદન પત્રનો શાહબાઝે જવાબ આપ્યો છે.

શાહબાઝે પીએમ મોદીનો આભાર માન્યો અને લખ્યું છે કે, ‘શાંતિ અને સ્થિરતાનું લક્ષ્ય અને જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદિત મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો નાગરિકોના સામાજિક-આર્થિક વિકાસ માટે જરૂરી છે.’
શહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા ત્યારે નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતાં કહ્યું હતું, ‘પાકિસ્તાનના વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા. ભારત અપેક્ષા રાખે છે કે, તમે આ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવીને શાંતિ અને સ્થિરતા માટે કામ કરશો. જેથી આપણે પડકારોનો સામનો કરી શકીશું અને આપણા નાગરિકોને સારું જીવન આપી શકીશું.’
તેના જવાબમાં શાહબાઝ શરીફે પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું કે, ‘પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો ઈચ્છે છે. કાશ્મીર સહિત બંને દેશો વચ્ચેના ઘણા મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની જરૂર છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને જે બલિદાન આપ્યું છે તે બધા જાણે છે.’
મહત્વનું છે કે, વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝે પોતાના પહેલા ભાષણમાં કાશ્મીરનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું કે, તેઓ ભારત સાથે શાંતિ ઈચ્છે છે, જે કાશ્મીર વિવાદના ઉકેલ સુધી શક્ય નથી. શાહબાઝે ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે.
શાહબાઝ શરીફે ઘણીવાર પાકિસ્તાની પંજાબ અને ભારતીય પંજાબ સાથે મળીને કામ કરવાની વાત કરી છે. તેઓ ત્રણ વખત પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2017માં પંજાબ અને ઉત્તર ભારતમાં બંને જગ્યાએ ધુમ્મસની સમસ્યા ચાલી રહી હતી. ત્યારે શાહબાઝ શરીફે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ધુમ્મસની સમસ્યા અને પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા મદદની માગ કરી હતી.