ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાન હવે તેના નિવૃત્ત સૈનિકોને ભારતમાં આતંકી તરીકે મોકલે છેઃ ભારતીય સૈન્યનો ખુલાસો

  • 25 કલાકના ઓપરેશન બાદ સેના દ્વારા મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું
  •  ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલે સંકેત આપ્યો
  • કેટલાક આતંકવાદીઓ નિવૃત્ત પાકિસ્તાની સૈનિકો હતા

જમ્મુ-કાશ્મીર, 24 નવેમ્બર: રાજૌરીમાં 25 કલાકના ઓપરેશન બાદ સેના દ્વારા મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, જ્યારે અમે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી ત્યારે અમને ખબર પડી કે આંકવાદીઓમાં કેટલાક પાકિસ્તાની સેનાના નિવૃત્ત સૈનિકો છે.

ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને જ્યારે મિડીયા દ્વારા પૂછવામાં આવ્યું કે, આતંકવાદીઓમાં પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ ફોર્સના સૈનિકો હોઈ શકે છે? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક આતંકવાદીઓ પાકિસ્તાન આર્મીના નિવૃત સૈનિકો હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત પાકિસ્તાન વિદેશી આતંકવાદીઓને અહીં લાવવા માંગે છે. સ્થાનિક સ્તરે ભરતી કરવા હવે તેમને કોઈ મળતા નથી.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિદેશી આતંકવાદીઓને અહીં લાવીને આતંક ફેલાવવાનો પ્રયાસ કરે છે. અમારો પ્રયાસ આ વિદેશી આતંકવાદીઓને ખતમ કરવાનો છે. સૈન્ય કાર્યવાહીના અંત પછી સુરક્ષા દળોનું મનોબળ ઊંચુ છે. સૌથી મોટી વાત એ છે કે સ્થાનિક લોકોનું મનોબળ પણ વધ્યું છે અને જે લોકો ભયમાં જીવી રહ્યા હતા તેઓ ડરમાંથી બહાર આવ્યા છે અને હવે વધુ લોકો આગળ આવશે.

પાકિસ્તાની સેનાને આંચકો લાગ્યો છે

લેફ્ટનન્ટ જનરલે વધુમાં જણાવ્યું હતું કે, રાજૌરી હુમલામાં માર્યા ગયેલા આતંકવાદી કારીની હત્યાના કારણે પાકિસ્તાનને આંચકો લાગ્યો છે. રાજૌરી અને પુંછમાં આતંકની ઇકોસિસ્ટમ ચાલી રહી હતી . કારીના મૃત્યુ સાથે પાકિસ્તાનનું કાવતરું અધૂરૂં રહી ગયું છે. પીર પ્રાંજલમાં હજુ પણ 20 થી 25 આતંકવાદીઓ સક્રિય છે અને જે રીતે અમે ત્યાં કાર્યવાહી વધારી છે, અમે એક વર્ષમાં આ તમામ આતંકવાદીઓને કાબૂમાં લઈશું.

આ આતંકવાદીઓને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશો સહિત ઘણા દેશોમાં તાલીમ આપવામાં આવી હશે. તેઓ ખૂબ જ પ્રશિક્ષિત વિદેશી આતંકવાદીઓ હતા, તેથી જ તેમને ખતમ કરવામાં સમય લાગ્યો. રાજૌરી અથડામણમાં આપણા જવાન શહીદ થયા છે, પરંતુ અમે બે ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ બે આતંકવાદીઓએ રાજૌરીના ડાંગરીમાં કે કાંડીમાં અથવા રાજૌરીના ટીસીપીમાં નિઃશસ્ત્ર નાગરિકોની હત્યા કરી હતી અને તેથી જ તેમને ખતમ કરવા ખૂબ જ જરૂરી હતું.

વીરગતિ પામેલા આર્મી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા સુરક્ષા દળોના પાંચ જવાન વીરગતિ પામ્યા હતા. આ અથડામણમાં સેનાના 2 અધિકારીઓ અને 3 જવાનો વીરગતિ પામ્યા હતા. આર્મી જનરલ હોસ્પિટલ રાજૌરી ખાતે સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરગતિ પામેલા આર્મી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં જમ્મુ અને કાશ્મીરના LG અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ અશ્રુભીની આંખો સાથે તમામ સૈનિકોને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો, ન્યૂઈન્ડિયા વાયબ્રન્ટ હેકાથોનનું ગ્રાન્ડ ફિનાલે 25મીએ ગાંધીનગરમાં યોજાશે

Back to top button