આ ટીમોએ આબરૂ તો ગુમાવી પરંતુ હવે નાની ટીમો સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે
15 જૂન, અમદાવાદ: ICC T20 World Cup 2024ના Super 8sના હરીફો હવે લગભગ નક્કી થઇ ગયા છે. આ વખતના વર્લ્ડ કપનું રસપ્રદ પાસું એ રહ્યું હતું કે એસોશિયેટ ટીમોનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે. યુએસએ જે આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે સહ-યજમાની કરી રહ્યું છે તે Super 8s રાઉન્ડ માટે ક્વોલીફાય થઇ ચૂક્યું છે. આ ઉપરાંત એક અન્ય ગ્રુપમાં સ્કોટલેંડ પણ પ્રયાસ કરી રહ્યું છે કે તે પણ આ વર્લ્ડ કપના આગલા રાઉન્ડમાં પ્રવેશ કરી જાય. પરંતુ ત્રણ મોટી ટીમોને હવે નાની ટીમો સાથે સંઘર્ષ કરવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
ICCના નિયમ અનુસાર જે ટીમોને આગામી T20 World Cup જે 2026ના ફેબ્રુઆરી મહિનામાં ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાવાનો છે તેમાં ક્વોલીફાય થવું હોય તો તે તમામે આ વર્લ્ડ કપના Super 8s રાઉન્ડમાં ક્વોલીફાય થવું જરૂરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ ઓલરેડી આ વર્લ્ડ કપની બહાર નીકળી ગયા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ જે હાલની ચેમ્પિયન ટીમ છે તેની શક્યતાઓ પણ એક અત્યંત પાતળા દોરા ઉપર લટકી રહી છે.
આથી જો ઇંગ્લેન્ડ પણ હારી જશે તો કદાચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સાથે ઇંગ્લેન્ડે પણ આવતા T20 World Cup માટે અન્ય નાની ટીમો સામે ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે.
ICCના નિયમ અનુસાર ભલે આ વર્લ્ડ કપની Super 8s ટીમો આવનારા વર્લ્ડ કપ માટે આપોઆપ ક્વોલીફાય થઇ જાય, પરંતુ શ્રીલંકા જે આગલા રાઉન્ડમાં નથી જઈ શક્યું તે પણ આગામી વર્લ્ડ કપ એટલા માટે રમશે કારણકે તે ભારત સાથે સહ-યજમાન છે. આમ Super 8sની આઠ ટીમો ઉપરાંત શ્રીલંકા એમ કુલ 9 ટીમો 2026ના T20 World Cup માટે પોતાનું સ્થાન પાક્કું કરી ચૂક્યા છે.
હવે બાકી રહેલા ત્રણ સ્થાનો માટે કદાચ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ અન્ય એસોશિયેટ દેશો સાથે એકાદ વર્ષ પછી આયોજિત થનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જો કે આ ત્રણેય ટીમો પાસે હજી પણ સંજીવની બૂટી બાકી છે. ICCનો એક અન્ય નિયમ એમ પણ કહે છે કે Super 8s અથવાતો ICCના રેન્કીન્ગ્સની ટોપ ત્રણ ટીમો આવનારા વર્લ્ડ કપ માટે આપોઆપ ક્વોલીફાય થઇ શકે છે. આ માટેની ડેડલાઈન 30મી જૂન 2024ની રાખવામાં આવી છે.
હાલમાં ઇંગ્લેન્ડ આ રેન્કિંગમાં ચોથા સ્થાને, ન્યૂઝીલેન્ડ છઠ્ઠા સ્થાને અને પાકિસ્તાન સાતમા સ્થાને છે. આથી જો 30 જૂન સુધી તેઓ પોતાનું રેન્કિંગ સુધારીને Top 3માં આવી જાય તો તેમને હજી પણ ચાન્સ છે કે તેઓ આવતા વર્લ્ડ કપ માટે ક્વોલીફાયિંગ રાઉન્ડથી દૂર રહી શકે અને આપોઆપ ક્વોલીફાય થઇ જાય.