T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

પાકિસ્તાન કેનેડા સામે જીતી ગયું પણ હારી ગયું! – જાણો કેવી રીતે

Text To Speech

12 જૂન, ન્યૂયોર્ક: ક્રિકેટ એક એવી રમત છે જેમાં જીત અને હાર ઉપરાંત બીજી ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ક્રિકેટની આ જ ખાસિયતને કારણે ઘણીવાર અમુક ટીમો અને તેના કેપ્ટનો મેચમાં જીત તો મેળવે છે પરંતુ મેચ કરતાં પણ વધુ મહત્વની બાજીઓ હારી જાય છે. ગઈકાલે પાકિસ્તાન કેનેડા સામે જીતી તો ગયું પરંતુ તે એક મોટી બાજી કદાચ હારી ગયું છે. પાકિસ્તાને આ વર્લ્ડ કપમાં પોતાની પહેલી જીત મેળવી હતી પરંતુ આ જીત તેણે હજી મોટા અંતરથી મેળવવાની હતી જે તે નથી કરી શક્યું અને તેને કારણે તેણે થોડા દિવસોમાં કદાચ સહન કરવાનું આવે તે શક્ય છે.

ગઈકાલે કેનેડા સામે રમતા પાકિસ્તાને તેને 106 રને રોકી લીધું હતું અને 107 રન્સનો ટાર્ગેટ તેણે 17.3 ઓવર્સમાં ચેઝ પણ કરી લીધો હતો. આમ કરવાથી પાકિસ્તાનનો નેટ રનરેટ જે અત્યારસુધી માઈનસમાં હતો તે સુધરીને +0.191 થયો છે. ખરેખર તો પાકિસ્તાને આ રનચેઝ ફક્ત 14 ઓવર્સ કે તેની પહેલા કરવાની જરૂર હતી કારણકે તો જ તે યુએસએના નેટ રનરેટ +0.626થી આગળ થઇ જાત.

પરંતુ પાકિસ્તાન કેનેડા સામે જીતી તો ગયું પણ આ જીત તેણે ઓછામાં ઓછી સાડા ત્રણ ઓવર્સ મોડી મેળવી જેને કારણે તે અત્યારે પણ ગ્રુપ Aના પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે. અત્યારે તો પાકિસ્તાનને આ વર્લ્ડ કપમાં મળેલી પહેલવહેલી જીત બહુ મીઠી લાગતી હશે પરંતુ જ્યારે ગ્રુપ સ્ટેજની મેચો પૂરી થશે ત્યારે કદાચ તેને પસ્તાવો થઇ શકે છે.

કારણકે જો પાકિસ્તાનને સુપર 8s રાઉન્ડમાં પ્રવેશ કરવો હશે તો તેણે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાન ઉપર આવવું પડશે, પરંતુ તે માટે તેણે એ પ્રાર્થના કરવી પડશે કે યુએસએ ભારત અને આયરલેન્ડ સામેની બંને મેચ હારી જાય. કારણકે બે માંથી જો એક મેચ પણ યુએસએ જીતશે અને કદાચ જો બંને મેચ ઓછા માર્જીનથી પણ હારશે તો પણ તે પાકિસ્તાન કરતાં પોઈન્ટ્સ ટેબલ ઉપર ઉપર જ રહેશે.

જો આમ થશે તો પાકિસ્તાન ત્રીજા સ્થાને જ રહેશે. જોકે પાકિસ્તાને હવે પહેલા તો આયરલેન્ડને હરાવવું પડશે અને તો જ તે ચાર પોઈન્ટ્સ મેળવી શકશે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું છે કે ટીમનો ટાર્ગેટ તો મેચ 14 ઓવર્સમાં જ જીતવાનો હતો પરંતુ પીચ એવી હતી કે તે શક્ય ન બન્યું.

હવે જોઈએ કે પાકિસ્તાન કેનેડા સામેની જીતનો અફસોસ કરે છે કે ખુશી મનાવે છે?

Back to top button