પાકિસ્તાનની સેના જ દેશની અસલી ‘માલિક’, સ્વિસ બેંકમાં ધરાવે અબજો રૂપિયા, 40 અબજ ડોલરનો બિઝનેસ

નવી દિલ્હી, 30 એપ્રિલ, 2025: પહેલગામમાં આંતકી હૂમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર આંતંકીઓ અને તેમના આકાઓની કલ્પના બહારની સજા આપવાનું કહ્યુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો તખ્તાપલટ કરવા માટે સેના પ્રમુક અસીમ મુનીરે આ કાવતરુ ઘડ્યુ હોવાનું મનાય છે. પાકિસ્તાન અને ભારત 1947માં એક સાથે આઝાદ થયા હતા. પરંતુ પાકિસ્તાનમાં 32 વર્ષ લશ્કરી શાસન એટલે કે માર્શ લો રહ્યુ હતું. તેનાથી સેનાથી સતત તાકાતવાળી બનતી આવી છે. સૈન્યના અધિકારીઓ પાસે ઘણી જમીન અને પૈસા છે. પાકિસ્તાનમાં પૈસા કમાવવા અને જમીન મેળવવા માટે લશ્કરમાં જોડાવુ ફાયદાનો સોદો ગણાય છે.
પાકિસ્તાનમાં સેનાને સૌથી મોટો ભૂમિ માફિયા માનવામાં આવે છે. એટલું જ નહીં, દેશના વ્યવસાય પર પણ તેમનું નિયંત્રણ છે. પાકિસ્તાન સરકારે પોતે સંસદમાં જણાવ્યું હતું કે સેના દેશમાં લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે. પાકિસ્તાન આર્મી દુનિયાની એકમાત્ર એવી સેના છે જેનો વ્યવસાય દેશની અંદર તેમજ વિદેશમાં ફેલાયેલો છે. પાકિસ્તાની સેનાએ આ માટે પાંચ ટ્રસ્ટ બનાવ્યા છે. જેમાં આર્મી વેલ્ફેર ટ્રસ્ટ, ફૌજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન અને ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝનો સમાવેશ થાય છે.
40 અબજ ડોલરનો કારોબાર
પાકિસ્તાન સેના દેશનું સૌથી મોટું વ્યાપારી ગૃહ છે. તે પેટ્રોલ પંપથી લઈને ઔદ્યોગિક પાર્ક, બેંક, બેકરી, શાળા-યુનિવર્સિટી, વીમો, ખાતર, હોઝિયરી કંપની, ડેરી ફાર્મ અને સિમેન્ટ પ્લાન્ટ સુધી બધું જ ચલાવે છે. આ વ્યવસાયમાંથી મળતો નફો નિવૃત્ત સૈનિકોમાં વહેંચવામાં આવે છે. સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાનો વ્યવસાય લગભગ 40 અબજ ડોલરનો છે જે દેશની કુલ અર્થવ્યવસ્થાના લગભગ 10% છે. પાકિસ્તાનની સૌથી મોટી કંપની, ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું બજાર મૂડીકરણ 3.18 અબજ ડોલર છે. પાકિસ્તાન આર્મી દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ છે. દેશભરમાં તેમની પાસે 50થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ્સ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેના પાસે રાજધાની ઇસ્લામાબાદમાં 16 હજાર એકર અને કરાચીમાં 12 હજાર એકર જમીન છે. દેશમાં, સેનાના અધિકારીઓને નિવૃત્તિ પછી ભેટ તરીકે પ્લોટ આપવામાં આવે છે. દેશના આઠ મુખ્ય શહેરો, કરાચી, લાહોર, રાવલપિંડી-ઇસ્લામાબાદ, મુલતાન, ગુજરાંવાલા, બહાવલપુર, પેશાવર અને ક્વેટામાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે, આ ટ્રસ્ટો દ્વારા દેશમાં જમીનોનું વિતરણ કરવામાં આવે છે. પાકિસ્તાની સેના તેના સૈનિકોને છાવણી વિસ્તારો તેમજ મોટા શહેરોના પોશ વિસ્તારોમાં જમીન ફાળવે છે.
સ્વિસ બેંકોમાં પૈસા
આર્મી વેલ્ફેર ટ્રસ્ટ 16 કંપનીઓ ચલાવે છે જ્યારે ફૌજી ફાઉન્ડેશન 15 કંપનીઓ ચલાવે છે. વાયુસેનાનું શાહીન ટ્રસ્ટ 11 કંપનીઓ ચલાવે છે. તેવી જ રીતે, બહરિયા ફાઉન્ડેશન એ નિવૃત્ત નૌકાદળ અધિકારીઓનું ટ્રસ્ટ છે. ક્રેડિટ સુઇસના અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 25 નિવૃત્ત પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના સ્વિસ બેંક ખાતા છે. આ ખાતાઓમાં લગભગ 80,000 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ જમા છે. આમાં ભૂતપૂર્વ આઇએસઆઇ વડા અખ્તર અબ્દુલ રહેમાન ખાનનો પણ સમાવેશ થાય છે, જેમના ખાતામાં 15,000 કરોડ રૂપિયા જમા છે. દેશના ઘણા ટોચના લશ્કરી અધિકારીઓએ વિદેશમાં ભારે રોકાણ કર્યું છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ફફડાટ: અડધી રાતે પ્રેસ કોન્ફ્રરન્સ કરી કહ્યું- ભારત 24થી 36 કલાકમાં કરી શકે છે હુમલો












