ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફજેતી બાદ પણ પાકિસ્તાની ટીમ સુધરી નહીં, ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર થઈ


Pakistan vs New Zealand T20 Series: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં તેને પાંચ ટી20 મેચ અને ત્રણ વન ડે મેચની સીરીઝ રમવાની છે. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20માં 9 વિકેટથી હાર વેઠવી પડી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કપ્તાન માઈકલ બ્રેસબેલે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. પાકિસ્તાની ટીમે પહેલા બેટીંગ કરતા ફક્ત 91 રન પર જ સમેટાઈ ગઈ અને આખી 20 ઓવર પણ રમી શકી નહીં.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બનાવ્યો ટી20માં સૌથી નાનો સ્કોર
પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20માં 91 રન સૌથી નાનો સ્કોર છે. આ અગાઉ પાકિસ્તાને વર્ષ 2016માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 મેચમાં 101 રન બનાવ્યા હતા. પણ હવે બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે પાકિસ્તાને 9 વર્ષ જૂનો ખરાબ રેકોર્ડ પાછળ મુકી દીધો છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20માં પાકિસ્તાનનો સૌથી નાનો સ્કોર
- 91- ક્રાઈસ્ટચર્ચ- 2025
- 101-વેલિંગટન- 2016
- 105-વેલિંગટન-2018
- 127-દુબઈ- 2014
8 બેટ્સમેન ડબલ ડિઝીટ સુધી પહોંચી શક્યા નહીં
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20 મેચમાં પાકિસ્તાની બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. ટીમના બંને ઓપનર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. 8 પાકિસ્તાની બેટ્સમેન બે આંકડાનો આંકડો પણ પાર કરી શક્યા નહીં. ટીમ તરફથી સલમાન અલી આગાએ 18 રન બનાવ્યા. ખુશદિલ શાહે થોડો સમય વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં અને માત્ર 32 રન બનાવીને આઉટ થઈ ગયો. જહાંદાદ ખાને 17 રનનું યોગદાન આપ્યું. આખી પાકિસ્તાની ટીમ ૧૮.૪ ઓવરમાં માત્ર ૯૧ રન જ બનાવી શકી.
ન્યુઝીલેન્ડના બોલરોએ બઘડાટી બોલાવી દીધી
ન્યુઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને કાયલ જેમિસને શાનદાર પ્રદર્શન કર્યું. આ બંને ખેલાડીઓએ ઘાતક બોલિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને પાકિસ્તાની બેટ્સમેન તેમની સામે ટકી શક્યા નહીં. જેકબે સૌથી વધુ ચાર વિકેટ લીધી. જ્યારે જેમિસને ત્રણ વિકેટ લીધી. ઇશ સોઢીએ 2 વિકેટ લીધી. આ બોલરોના કારણે પાકિસ્તાની ટીમ મોટો સ્કોર કરી શકી નહીં.
આ પણ વાંચો: BIG BREAKING: એઆર રહેમાન હોસ્પિટલમાં દાખલ થયા, અચાનક છાતીમાં દુખાવો થતાં ઈમરજન્સીમાં લઈ જવા પડ્યા