મુસ્લિમ દેશોની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ કરી ટિપ્પણી, કોઈ દેશનું ન મળ્યું સમર્થન
- ગેમ્બિયાની રાજધાની બંજુલમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની 15મી સમિટ યોજાઇ
નવી દિલ્હી, 6 મે: મુસ્લિમ દેશોની સંસ્થા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની 15મી સમિટનું આયોજન ગેમ્બિયાની રાજધાની બંજુલમાં તારીખ 4-5 મે વચ્ચે કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન તેના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારતું જોવા મળ્યું હતું. પાકિસ્તાને ગાઝા અને કાશ્મીર પર વાત કરતી વખતે સભ્ય દેશોને સમર્થન આપવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. રવિવારે કોન્ફરન્સમાં જ્યારે સભ્ય દેશોએ ગાઝામાં ઈઝરાયેલના હુમલા અંગે વાત કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાને મુસ્લિમ દેશોને કહ્યું કે, ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાન નેતાઓ પાકિસ્તાન વિરોધી અને ઈસ્લામોફોબિક નૈરેટિવ બનાવી રહ્યા છે જે ક્ષેત્રીય સ્થિરતા માટે ખતરો છે.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ઈસ્લામિક દેશોને વૈશ્વિક સ્તરે ઈસ્લામોફોબિયાનો સામનો કરવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગાઝામાં તરત જ યુદ્ધવિરામ લાગુ થવો જોઈએ. તેની સાથે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન કાશ્મીર પર પોતાનો જૂનો રાગ અલાપવાનો શરૂ કર્યો અને તેમણે સભ્ય દેશોને કહ્યું કે જમ્મુ-કાશ્મીર મુદ્દે ‘એક્શન પ્લાન’ લાગુ કરવો જોઈએ.
પાકિસ્તાનના ભારત વિરોધી પ્રયાસો હંમેશની જેમ પાણી ફરી વળ્યું
ભારત વિરુદ્ધના તેમના જૂના પ્રચારને પુનરાવર્તિત કરતા, પાકિસ્તાની નેતાએ કહ્યું કે, ‘જમ્મુ અને કાશ્મીરમાં ભારતની ક્રૂરતા વધી રહી છે, ખાસ કરીને 5 ઓગસ્ટ, 2019 પછી, જ્યારે ભારતે એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાં લીધાં.’ ડારે કહ્યું કે, “કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે મુસ્લિમ દેશોએ તેમના પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએ.” જો કે, મુસ્લિમ દેશોએ પાકિસ્તાનની આ ટિપ્પણીને લગભગ અવગણીને ગાઝા પર પોતાનું ધ્યાન જાળવી રાખ્યું.
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોન્ફરન્સમાં બોલતા તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને કહ્યું કે, ઈઝરાયેલના કબજા સામે પ્રતિકાર એ હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં જુલમીઓ અને પીડિત લોકો વચ્ચેનો સંઘર્ષ છે.
‘પેલેસ્ટિનિયનોના લોહીની કિંમત પર…’
OIC પરિષદમાં, ફિદાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોઈ પણ સભ્ય દેશને ‘પેલેસ્ટિનિયનોના લોહી’ની કિંમતે તેમના મતભેદોને ઉકેલવાનો અધિકાર નથી.” તેમણે કહ્યું કે, સભ્ય દેશોમાં સંગઠન નહીં હોવાને કારણે ઈઝરાયેલ જવાબદારીમાંથી બચી ગયું છે, આ સમગ્ર મુસ્લિમ સમુદાયની ફરજ છે કે, પેલેસ્ટાઈનની સુરક્ષા માટે એક થવું. તેમણે વધુમાં કહ્યું કે, “મુસ્લિમ દેશોએ આ સમયે તેમની એકતા સાબિત કરવી પડશે અને બતાવવું પડશે કે તેઓ રાજદ્વારી માધ્યમથી અને જરૂર પડ્યે બળનો ઉપયોગ કરીને તેમના ઉદ્દેશ્યમાં સફળ થઈ શકે છે.” તેમણે એ પણ યાદ અપાવ્યું કે, “ભૂતકાળમાં મુસ્લિમ દેશો વચ્ચે પ્રાદેશિક દુશ્મનાવટ રહી છે પરંતુ પેલેસ્ટિનિયન હિતોનું બલિદાન આપવા માટે તેનું પુનરાવર્તન થવું જોઈએ નહીં.” તેમણે ઈસ્લામિક દેશોને ચેતવણી આપતા કહ્યું કે, “આવી સ્થિતિમાં ઈઝરાયેલ અને તેના સમર્થકોની જીત થશે.”
આ પણ જુઓ: શું ફારુક અબ્દુલ્લા પાકિસ્તાન તરફી છે? કેમ ભારતને પાકિસ્તાનના અણુબોંબની ધમકી આપી?