પાકિસ્તાન : પેશાવર હાઈકોર્ટમાં પ્રખ્યાત વકીલ અબ્દુલ આફ્રિદીની બાર રૂમમાં ગોળી ધરબી હત્યા
પાકિસ્તાનના પેશાવર હાઈકોર્ટમાં દેશના જાણીતા વકીલની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અબ્દુલ લતીફ આફ્રિદીનું સોમવારે કોર્ટના બાર રૂમમાં અન્ય વકીલે તેમના પર ગોળીઓ ધરબી દીધા બાદ મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે આફ્રિદી સોમવારે પેશાવર હાઈકોર્ટના બાર રૂમમાં બેઠા હતા ત્યારે અદનાન નામના ટ્રેઇની વકીલે તેના પર ગોળીબાર કર્યો હતો. હોસ્પિટલના પ્રવક્તા મુહમ્મદ અસીમના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ વકીલને તાત્કાલિક શહેરની લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસે શરૂ કરી તપાસ
આસિમે કહ્યું કે આફ્રિદી પર છ ગોળી ચલાવવામાં આવી હતી. પોલીસે અદનાનની ધરપકડ કરી છે. તેને કડક સુરક્ષા વચ્ચે અહીંની આતંકવાદ વિરોધી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસને આશંકા છે કે આ હુમલો ‘વ્યક્તિગત અદાવત’ના કારણે કરવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અદનાન પેશાવર હાઈકોર્ટ પરિસરમાં પિસ્તોલ કેવી રીતે લાવ્યો.
વડાપ્રધાન શરીફે હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આફ્રિદીની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન, પેશાવર બાર એસોસિએશનના પ્રમુખ અલી ઝમાને આફ્રિદીની હત્યાના વિરોધમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે દિવસીય અદાલતોના બહિષ્કારની જાહેરાત કરી છે. 79 વર્ષીય આફ્રિદી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ હતા. પાકિસ્તાનમાં વકીલોના આંદોલનમાં તેઓ મોખરે હતા. આ આંદોલનને કારણે પૂર્વ ચીફ જસ્ટિસ ઈફ્તિખાર મોહમ્મદ ચૌધરીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. 1979 માં, આફ્રિદીને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જનરલ મુહમ્મદ ઝિયા-ઉલ-હક દ્વારા તેમના શાસનના માર્શલ લો વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.