પાકિસ્તાન: ઈમરાન ખાન વિરુદ્ધ પત્ની બુશરાના પૂર્વ પતિએ કોર્ટમાં કર્યો કેસ
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ફરી એકવાર આવ્યા ચર્ચામાં.
- બુશરા બીબીના પૂર્વ પતિએ ઈમરાન અને બુશરા પર વ્યભિચાર અને કપટપૂર્ણ લગ્ન કર્યાનો લગાવ્યો આરોપ.
પાકિસ્તાન, 26 નવેમ્બર: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. તેમની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ ઈમરાન ખાન વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. ખાવરે ઈમરાન અને બુશરા બંને પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
ખાવર ફરીદે ઈમરાન ખાન અને બુશરા વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની કલમ 34 (સામાન્ય હેતુ), કલમ 496 (માન્ય લગ્ન વિના કપટપૂર્ણ લગ્ન) હેઠળ ઈસ્લામાબાદ પૂર્વના વરિષ્ઠ સિવિલ જજ કુદર્તુલ્લાની કોર્ટમાં 496-બી (વ્યભિચાર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બુશરાના પૂર્વ પતિએ નોંધાવ્યા નિવેદન
ડૉન અખબાર પ્રમાણે સુનાવણી દરમિયાન ખાવર ફરીદે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 200 (ફરિયાદીની પૂછપરછ) હેઠળ નિવેદન નોંધાવ્યું છે. તાજેતરમાં જ ખાવરને ભ્રષ્ટાચારના એક કેસમાં જામીન મળ્યા છે. ખાનર ફરીદે ફરી એકવાર નિવેદનમાં પુનરોચ્ચાર કર્યો છે કે ઇમરાન ખાને તેનું લગ્ન જીવન બરબાદ કર્યું છે.
કોર્ટે ત્રણ લોકોને નોટિસ મોકલી
આ પછી કોર્ટે આ કેસમાં ત્રણ સાક્ષીઓને નોટિસ જારી કરી છે. ઇસ્તિકહમ એ પાકિસ્તાન પાર્ટીના સભ્ય અવન ચૌધરી, મુફ્તી મોહમ્મદ સઈદ અને લતીફ. આ ત્રણેયને 28 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. અવન અને સઈદે આ નિકાહ કરાવ્યા હતા અને લતીફ ખાવરના ઘરનો કર્મચારી હતો, જેથી કોર્ટે આ ત્રણેયને નોટિસ મોકલી છે.
ઈમરાન અને બુશરાને સજા થવી જોઈએ: ખાવર ફરીદ
ફરિયાદમાં ખાવરે કોર્ટને વિનંતી કરી હતી કે ન્યાયના હિતમાં ઈમરાન અને બુશરાને કાયદા મુજબ સમન્સ મોકલવામાં આવે અને સખત સજા આપવામાં આવે. તેણે કહ્યું કે, મારી ગેરહાજરીમાં, ઇમરાન ખાન અધ્યાત્મની આડમાં અવારનવાર મારા ઘરે આવતો અને ત્યાં કલાકો વિતાવતો હતો, જે માત્ર અનિચ્છનીય જ નહીં, અનૈતિક પણ હતું. તેણે વધુમાં કહ્યું કે, ઈમરાન ખાન બુશરાને મોડી રાત્રે ફોન કરતો હતો. બુશરાને વાત કરવા માટે અલગ કોન્ટેક્ટ નંબર અને મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યો હતો.
ઈમરાન અને બુશરાએ 2018માં લગ્ન કર્યા
ખાવરે કહ્યું કે, તેમણે 14 નવેમ્બર 2017ના રોજ બુશરાથી છૂટાછેડા લીધા હતા. ઈમરાન અને બુશરાએ વ્યભિચારનો જઘન્ય ગુનો કર્યો છે અને બંનેએ 1 જાન્યુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા.
ખાવરે લગાવ્યો વિવાહિત જીવન બરબાદ કરવાનો આરોપ
ખાવરે અઠવાડિયા પહેલાં ઈમરાન પર તેના લગ્ન જીવનને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ખાવરે કહ્યું હતું કે ઈમરાન ખાન બુશરા બીબીના અનુયાયી બનીને ઘરમાં પ્રવેશ્યા અને ધીમે ધીમે તેના લગ્ન તોડી નાખ્યા અને 2018માં બુશરા બીબી સાથે લગ્ન કર્યા. ખાવર ફરીદે કહ્યું હતું કે બુશરા બીબી સાથે તેમના લગ્ન સારા ચાલી રહ્યા હતા, પરંતુ ઇમરાન ખાનના કારણે તે તૂટી ગયું.
ઇમરાનની પાર્ટીએ આરોપોને નકાર્યા
જોકે, ઈમરાન ખાનની પાર્ટી (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ)ના નેતાઓએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. પીટીઆઈએ ખાવરના ટીવી ઈન્ટરવ્યુ પર સવાલો ઉઠાવ્યા હતા અને શેહવાઝ શરીફની પાર્ટી (PML-N) પર ઈમરાનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ