ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાન ચૂંટણી: જેલમાં બંધ ઈમરાન ખાનનો દબદબો, PTI પાર્ટી 154 સીટો પર આગળ

Text To Speech
  • દેશમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલની સંભાવના
  • પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ 47 બેઠકો પર આગળ

ઈસ્લામાબાદ, 9 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ શકે છે. પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ, સામાન્ય ચૂંટણીની મતગણતરી વચ્ચે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI) પાર્ટીએ 154 સીટો પર આગળ ચાલી રહી છે. પ્રારંભિક વલણો દર્શાવે છે કે, ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા સ્થાપિત પક્ષ પીટીઆઈ દ્વારા સમર્થિત ઉમેદવારો 154 બેઠકો પર આગળ છે જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) 47 બેઠકો પર આગળ ચાલી રહી છે, જેમાં સખત સ્પર્ધા છે. પ્રારંભિક વલણો અનુસાર, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (F) 4-4 બેઠકો પર આગળ છે.

 

 

નવાઝ શરીફની પાર્ટીએ બે બેઠકો જીતી હતી

પાકિસ્તાન ચૂંટણી પંચની વેબસાઈટના ડેટા અનુસાર, સામાન્ય ચૂંટણીમાં 4 બેઠકો પર પરિણામો આવ્યા છે અને તેમાંથી નવાઝ શરીફની પાર્ટીએ બે બેઠકો જીતી છે, જ્યારે અન્ય બે બેઠકો પર અપક્ષોએ જીત મેળવી છે.

બેરિસ્ટર ગોહર અલીએ કર્યો હતો દાવો

અહેવાલ મુજબ, પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને પણ દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી 150થી વધુ નેશનલ એસેમ્બલી (NA) સીટો પર આગળ છે. ટ્વિટર પર શેર કરાયેલા એક વીડિયોમાં, બેરિસ્ટર ગોહરે કહ્યું કે, પીટીઆઈ “આજની શાનદાર જીત” પછી કેન્દ્ર અને ખૈબર-પખ્તુનખ્વા (કેપી)માં સરકાર બનાવશે.

ઈમરાન ખાને જનતાને આપ્યો સંદેશ

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા પોતાના ઓફિશિયલ X(ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો મેસેજમાં ઈમરાન ખાને પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં બહાર આવવા અને વોટ આપવાનો આગ્રહ કર્યો હતો.

7 ફેબ્રુઆરીના રોજ એક અંગત વિડીયો સંબોધનમાં, ભૂતપૂર્વ PMએ કહ્યું હતું કે, “કાલે ચૂંટણી છે. હું ઈચ્છું છું કે તમે બહાર આવો અને તમે જાણતા હોય તેટલા લોકોને બહાર લાવો, કારણ કે તમે આ ચૂંટણીઓ દ્વારા તમારું અને તમારા બાળકોનું ભાવિ નક્કી કરશો.”

આ પણ જુઓ: ચૂંટણીમાં દખલગીરી કરવામાં કેનેડાના આરોપને ભારતે ફગાવ્યા

Back to top button