INDW vs PAKW: પાકિસ્તાન સામે ભારતની કારમી હાર


મહિલા T20 એશિયા કપ 2022માં પાકિસ્તાને ભારતને 13 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 124 રન જ બનાવી શકી હતી. નિદા ડારે પાકિસ્તાન માટે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. અડધી સદી ફટકારવાની સાથે તેણે બે વિકેટ પણ લીધી હતી.

મેઘના અને સ્મૃતિ મંધાના ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. મંધાનાએ 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા. મેઘનાએ 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. મેઘનાએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. જેમિમા રોડ્રિગ્ઝ 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હેમલતાએ 22 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા.
રિચા ઘોષે 26 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 13 બોલમાં 26 રન બનાવ્યા હતા. રિચાની ઇનિંગ્સમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. કેપ્ટન હરમનપ્રીત કૌર 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 12 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે ભારતીય ટીમ 19.4 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધી માત્ર 124 રન જ બનાવી શકી હતી.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની મહિલા ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. આ દરમિયાન નિદા ડારે અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. ડારે આ ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેપ્ટન બિસ્માહ મારુફે 32 રનની ઇનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા.

ભારત તરફથી દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી નિદા ડારે શાનદાર બોલિંગ બતાવી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઈકબાલે પણ બે વિકેટ ઝડપી હતી. જ્યારે સંધુએ 3 વિકેટ લીધી હતી.