પાકિસ્તાનઃ ખૈબર પખ્તુનખ્વામાં સતત આતંકી હુમલા, પોલીસકર્મીઓને બનાવવામાં આવ્યા નિશાન
- પાકિસ્તાનમાં આતંકવાદીઓ પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલામાં ચાર પાકિસ્તાન પોલીસ કર્મચારીઓ માર્યા ગયા છે અને ત્રણ ઘાયલ થયા છે
પેશાવર, 19 ઓગસ્ટ: ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સ્ટેશન ઈન્ચાર્જ સહિત બે પોલીસકર્મીઓના મૃત્યુ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આતંકવાદ પ્રભાવિત લક્કી મારવત જિલ્લામાં બરગઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ઘાયલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ઈન્ચાર્જને ઘણી ગોળીઓ વાગી હતી અને હુમલા પહેલા આતંકવાદીઓ પોલીસ સ્ટેશનની નજીકના એક ઘરમાં છુપાઈ ગયા હતા.
આતંકવાદીઓએ ઓચિંતો કર્યો હુમલો
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં રવિવારે અન્ય એક હુમલામાં આતંકવાદીઓએ ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના વાહનોને નિશાન બનાવ્યા, જેમાં બે સૈનિકો માર્યા ગયા અને અન્ય ત્રણ ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના મદ્દી વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં બે જવાન શહીદ થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાની સેનાએ કરી હતી મોટી કાર્યવાહી
તાજેતરમાં જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં કહ્યું હતું કે કુર્રમ જિલ્લામાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે તેમની વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે પાંચ આતંકવાદીઓ ઘાયલ થયા હતા. આતંકવાદીઓના ગુપ્તચર ઠેકાણાનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.
આ પણ વાંચો: લંડનમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર ઉપર હિચકારો હુમલો