ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના લોકો ગરીબીથી પીડાઈ રહ્યા છે. મોંઘવારી તેના રેકોર્ડ બ્રેક સ્તરે છે અને લોકોને ખાવા માટે લોટ પણ નથી મળી રહ્યો. પરંતુ આ દરમિયાન પણ પાકિસ્તાને પોતાના સંરક્ષણ બજેટમાં છ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાને સશસ્ત્ર દળોનો પગાર વધારવા અને અન્ય જરૂરી હથિયાર ખરીદવા માટે આ પગલું ભર્યું છે. કેબિનેટની આર્થિક સંકલન સમિતિ (ECC) એ 80 અબજ રૂપિયાની રકમ વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં 182 અબજ રૂપિયાની પૂરક ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રાલયે જિન્ના નેવલ બેઝ, તરબત નેવલ બેઝ અને હેડક્વાર્ટર ખાતે મલ્ટીફંક્શન બિલ્ડિંગ માટે અન્ય બાબતોની સાથે સાથે રૂ. 80 બિલિયનના વધારાના સંરક્ષણ બજેટની માંગ કરી હતી. ECC એ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરારોના દુરુપયોગને રોકવા માટે ચીનથી આવતા પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર 10 ટકા નિયમનકારી ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. કારણ કે કેટલીક ઓઈલ કંપનીઓ 10 ટકા ટેક્સથી બચવા માટે ચીનના રસ્તે પાકિસ્તાનમાં ઓઈલ લાવતી હતી.
80 અબજ રૂપિયાનું વધારાનું બજેટ
પાકિસ્તાનના નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલે ECCની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સશસ્ત્ર દળો માટે વધારાના 80 અબજ રૂપિયાના પૂરક બજેટને મંજૂરી આપવામાં આવી હતી. નાણા મંત્રાલયનું માનવું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં વધારાનો ખર્ચ 80 અબજ રૂપિયાથી ઓછો હશે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ ગયા વર્ષે 1373 અબજ રૂપિયાનું સંરક્ષણ બજેટ બહાર પાડ્યું હતું.
પાકિસ્તાન આર્થિક સંકટ તરફ આગળ વધે છે
પાકિસ્તાન ભલે પોતાનું સંરક્ષણ બજેટ વધારી રહ્યું હોય, પરંતુ તે આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં 27 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન લગભગ 366 મિલિયન ડોલરના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે. પાકિસ્તાન પાસે અન્ય દેશોમાંથી સામાન આયાત કરવા માટે પણ ખાસ પૈસા બચ્યાં નથી. તો બીજી તરફ એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.