ટોપ ન્યૂઝ
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, લેફ્ટનન્ટ જનરલ સહિત 6 અધિકારીઓના મોત
પાડોશી દેશ પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ મળ્યા છે. આ હેલિકોપ્ટર સોમવાર રાતથી ઉત્તર-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં ગુમ થયું હતું જેનો કાટમાળ લાસબેલા જિલ્લાના મુસા ગોથ પાસે મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં દુઃખની બાબત એ સામે આવી છે કે તેમાં સેનાના 6 અધિકારીઓના મોત થયા છે. જેમના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અનુસાર, ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હતી. વધુમાં આ ઘટનાની પુષ્ટિ કરતા ISPRના DGએ ટ્વીટ કર્યું કે, લાસબેલા જિલ્લાના મુસા ગોથ ખાતે હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. જેમાં લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી સહિત તમામ 6 અધિકારીઓ અને જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખરાબ હવામાનને કારણે અકસ્માત થયો હતો.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શોક વ્યક્ત કર્યો
દરમ્યાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે દેશ પાકિસ્તાની સેનાના જવાનોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સેનાના લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી અને અન્ય 5 અધિકારીઓની શહાદતથી દેશ ખૂબ જ દુઃખી છે. તેઓ પૂરગ્રસ્તોને રાહત આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા હતા. દેશ હંમેશા આ સપૂતોનો ઋણી રહેશે. તેમણે કહ્યું કે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. વિમાનમાં સવાર તમામ 6 અધિકારીઓ શહીદ થયા છે. શહીદોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને પ્રાર્થના.
હેલિકોપ્ટર સોમવારે રાત્રે ગુમ થયું હતું અને તેનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો
મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનના લાસબેલામાં પૂર રાહત કામગીરીમાં લાગેલું પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ગુમ થઈ ગયું છે. વધુમાં ISPRએ જણાવ્યું હતું કે આ ગુમ થયેલા હેલિકોપ્ટરમાં 12 કોર્પ્સ કમાન્ડર જનરલ સરફરાઝ અલી અને અન્ય પાંચ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હતા. જેઓ બલૂચિસ્તાનમાં પૂર રાહત કાર્ય પર નજર રાખી રહ્યા હતા. પરંતુ બચાવ કાર્યમાં લાગેલા આ હેલિકોપ્ટરનો અચાનક જ ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર ગયું હતું
ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના અંગે પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તે છેલ્લા પાંચ કલાકથી ગુમ હતું. પાકિસ્તાની સેના બલૂચિસ્તાન, સિંધ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત હતી. ભારે પૂરમાં હજારો લોકો ત્યાં ફસાયા હતા.