પાકિસ્તાન : પૂર્વ પીએમ પરના હુમલા બાદ દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, જાણો કેમ ?
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર એક કાર્યક્રમ દરમિયાન ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાન ઉપર થયેલા હુમલા બાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને હાલ સમગ્ર પાકિસ્તાનમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ક્યાંક સ્થિતિ વણસી રહી છે અને હાલ પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી જોવા મળી રહી છે. જેના પગલે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે.
દેશની જવાબદારી સેનાને સોંપવામાં આવે તેવી શકયતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર ઘટના બાદ પાકિસ્તાનમાં સ્થિતિ વધુ બગડવાની આશંકા છે. પાકિસ્તાનમાં પણ ગૃહયુદ્ધ ફાટી નીકળવાની પૂરી સંભાવના છે. ત્યારે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં બે બાબતોની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલું એ કે ઈમરાન ખાનના સમર્થકો ગુસ્સે થઈ શકે છે અને દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા સમગ્ર કમાન્ડ સેનાને સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં માર્શલ લો અને કેટલાક અન્ય સમાન પગલાં લેવામાં આવી શકે છે. જેના કારણે થોડા સમય માટે સંપૂર્ણ સત્તા સેનાના હાથમાં આવી શકે છે.