તુર્કમેનિસ્તાનથી આવેલા પાક.રાજદૂતને અમેરિકામાં પ્રવેશ ન મળ્યો, યુએસ ઈમિગ્રેશન દ્વારા ડિપોર્ટ કરાયા


વોશિંગ્ટન, 11 માર્ચ : અમેરિકી પ્રમુખ તરીકે શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન નિયમોને લઈને ઘણા કડક દેખાઈ રહ્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગનને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. ઈમિગ્રેશન સામે વાંધો ઉઠાવ્યા બાદ તેને દેશનિકાલ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે એમ્બેસેડર વાગન પાસે અમેરિકાના માન્ય વિઝા અને તમામ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હતા અને તેઓ અંગત મુલાકાતે લોસ એન્જલસ જઈ રહ્યા હતા પરંતુ યુએસ ઈમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા. આ પછી તેને દેશનિકાલ કરવામાં આવ્યા છે. જો કે અમેરિકન પ્રશાસનના આ પગલાને કારણે રાજદ્વારી પ્રોટોકોલ પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાકિસ્તાન સરકાર તેમને ઈસ્લામાબાદ બોલાવી શકે છે.
આ ઘટના અંગે વિદેશ મંત્રી ઈશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસને આ મામલે તપાસ કરવા કહ્યું છે. તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગન લાંબા સમયથી પાકિસ્તાનની વિદેશ સેવામાં છે. તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીથી લઈને લોસ એન્જલસમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલમાં ડેપ્યુટી કોન્સલ જનરલ, મસ્કતમાં રાજદૂત અને નાઈજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેવા આપી છે.
આ પણ વાંચો :- 80 વર્ષના વૃદ્ધ પિતાને કરવા હતા બીજા લગ્ન, પુત્રએ ના પાડતા ગોળી ધરબી પતાવી દીધો, જાણો ક્યાંની છે ઘટના