કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદીની મોરબી મુલાકાત પહેલાં સિવિલ હોસ્પિટલમાં રંગકામ, વિપક્ષે કહ્યું- આ છે ઢાંકપિછોડો મોડલ

મોરબીઃ કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને લઈને ગુજરાત સરકાર પર ઢાંકપિછોડોનો આરોપ લગાવ્યો છે. તેમણે દુર્ઘટના પછી વડાપ્રધાન મોદીના કાર્યક્રમો પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન ઈવેન્ટ વગર એક દિવસ પણ નથી રહી શકતા. તેમણે હોસ્પિટલના રંગરોગાનના કાર્યને ગુજરાત મોડલ કે ઢાંકપિછોડો મોડલ ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે જો ગુજરાતનું આ ઢાંકપિછોડો મોડલ ન હોત તો મોરબીની દુર્ઘટના ક્યારેય બની ન હોત.

શું આ છે ગુજરાતનું ઢાંકપિછોડો મોડલ?- કોંગ્રેસ 
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ સોમવારે રાત્રે એક વીડિયો ટ્વીટમાં આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીની મોરબી મુલાકાતને લઈને, સોમવારે રાત્રે મોરબીની સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન અને બ્યૂટીફિકેશનનું કામ હાથ ધરાયું. હોસ્પિટલમાં નવી ટાઈલ્સ લગાડવામાં આવી રહી છે, રંગરોગાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે મંગળવારે વડાપ્રધાનજી પુલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની તબિયત પૂછવા આવી રહ્યાં છે, શું આ છે ગુજરાતનું ઢાંકપિછોડો મોડલ?

મોરબીની કરુણાંતિકાને માનવ નિર્મિત દુર્ઘટના ગણાવતા કોંગ્રેસ નેતા ખેરાએ વધુમાં કહ્યું કે- મોરબીના અનેક ઘરોમાં ચૂલો નથી સળગ્યો, અનેક લોકોના મૃતદેહ નથી મળી રહ્યાં. લોકો પોતાના સ્વજનના મૃતદેહને શોધવા ભટકી રહ્યાં છે, તેમ છતાં પણ ઈવેન્ટમાં કોઈ ઘટાડો ન આવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની યાત્રા સ્થગિત કરી દીધી પરંતુ મોદીએ પોતાના કાર્યક્રમ સ્થગિત ન કર્યા.

તેમણે કહ્યું કે આ ગુજરાતે જ નરેન્દ્ર મોદીજીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. પરંતુ તેઓ એક દિવસ પણ ઈવેન્ટ વગર રહી નથી શકતા. તેમણે કહ્યું કે વડાપ્રધાનજીમાં જો થોડી પણ સંવેદના હોત તો તેઓ ઈવેન્ટ ન બનાવત. તેમણે કહ્યું કે આજે પણ વડાપ્રધાનના કાર્યક્રમો છે, કાલે પણ છે. તેમણે પૂછ્યું શું આ જ ગુજરાત મોડલ છે કે ઢાંકપિછોડો મોડલ. તેમણે કહ્યું કો જો ગુજરાતનું આ ઢાંકપિછોડો મોડલ ન હોત તો મોરબીની દુર્ઘટના જ ન થઈ હોત.

AAPએ પણ સાધ્યું નિશાન
આમઆદમી પાર્ટીએ મોરબી હોસ્પિટલની તસવીરને શેર કરતા લખ્યું- “Morbi Civil Hospitalમાં રાતોરાત રંગકામ કરવામાં આવી રહ્યું છે કે જેથી વડાપ્રધાન મોદીના ફોટોશૂટમાં હલકી કક્ષાની બિલ્ડિંગની પોલ ન ખુલી જાય. 141 લોકો મરી ગયા છે, સેંકડો લાપતા છે, સાચા દોષિતો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી પરંતુ ભાજપના લોકોને ફોટોશૂટ કરીને ઢાંકપિછોડોના પડી છે.”

દિલ્હીની આપ સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરી લખ્યું કે- 27 વર્ષમાં ભાજપે સરકારી હોસ્પિટલમાં કોઈ કામ ન કર્યું. આજે વડાપ્રધાનજીની મુલાકાત વખતે ગુજરાતની હોસ્પિટલનું સત્ય. 27 વર્ષની ભાજપની નિષ્ફળતાનું સત્ય ન જોઈ લે, તેથી લાશોની વચ્ચે માતમના માહોલમાં પણ રંગકામ કરવામાં આવી રહ્યું છે. ઘણું જ શરમજનક છે આ બધું.

મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન
મોરબી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું,. આ અંગે મોરબીના જિલ્લા કલેકટર બી.ટી.પંડ્યાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

મોરબી સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે. તો જે વર્ષોથી સુવિધા ન હતી તેવી સુવિધા પર રાતોરાત ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી નવાં કૂલર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ બનાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલત હતી એ સિવિલ હોસ્પિટલને નવી દેખાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

MORBI CIVIL HOSPITAL
સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલત હતી એ સિવિલ હોસ્પિટલને નવી દેખાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી આજે મોરબી જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી જશે, જ્યાં તેઓ ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ખબરઅંતર પૂછશે. આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે, ત્યારે ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાને સોમવારે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. આજે પણ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમજ જનસભા પણ સંબોધશે.

MORBI CIVIL HOSPITAL
કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને લઈને ગુજરાત સરકાર પર ઢાંકપિછોડોનો આરોપ લગાવ્યો છે.

મોરબી પુલ દુર્ઘટના માટે ગુજરતા સરકાર જવાબદારઃ NCP નેતા
તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને મોરબી જિલ્લામાં પુલ તૂટવા માટે જવાબદાર ગણાવવા જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે મચ્છુ નદી પર બનેલા પુલનું નવીનીકરણનું કામ એક સરકારી નિવેદન બાદ મેળવવામાં આવ્યો હતો અને સ્થાનિક તંત્ર દ્વારા ફિટનેસ પ્રમાણપત્ર આપ્યા વગર જ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો.

ક્રેસ્ટોએ એ વાત પર સવાલ ઉઠાવ્યા કે સમારકામ બાદ પુલને જ્યારે જનતા માટે 26 ઓક્ટોબરે ફરી ખોલવામાં આવ્યો હતો ત્યારે શું ગુજરાત સરકારને પુલના ફિટનેસ સર્ટિફિકેટ અંગેની કોઈ જાણકારી ન હતી. તેમણે કહ્યું કે કેન્દ્રએ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.

Back to top button