21 મે, કોબે (જાપાન): દીપ્તિ જીવનજીએ ગઈકાલે ગોલ્ડ જીત્યા બાદ આજે કોબેમાં ચાલતી પેરા એથલેટીક્સમાં ભારતને ફરીથી ગોલ્ડ મેડલ મળ્યો છે. આજે થોડા સમય અગાઉ ભારતની એકતા ભ્યાને મહિલાઓની F51 ક્લબ થ્રો સ્પર્ધામાં આ સિઝનનો 20.12નો બેસ્ટ થ્રો એચીવ કરીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
હજી તો ગઈકાલે જ દીપ્તિ જીવનજીએ 400 મીટરની T20 કેટેગરીમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હોવાના સમાચાર મળ્યા હતા, અને આજે એકતાએ ક્લબ થ્રોમાં પણ ગોલ્ડ જીતીને દેશનું નામ વધુ ઊંચું કરી દીધું છે.
એકતાએ કોબેમાં ચાલી રહેલી પેરા એથલેટીક્સમાં આ સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે ભારતની જ કશીશ લાકરાએ 14.56 મીટર દૂરનો થ્રો કરીને આ જ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર મેડલ જીતી બતાવ્યો છે. અલ્જીરિયાની નાડ્યેત બુશેર્ફ 12.70 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહી હતી અને તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
એકતા ભ્યાન હરિયાણાની રહેવાસી છે અને તે હરિયાણા સિવિલ સર્વિસીઝ એટલેકે HCSમાં ઓફિસર પણ છે. તેણે ચીનમાં રમાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.
એકતા ભ્યાને હરિયાણા સરકાર સાથે ઓફિસર તરીકે કાર્ય શરુ કર્યા બાદ સ્પોર્ટ્સમાં રુચિ દેખાડવાની શરુ કરી દીધી હતી. તેણે જાકાર્તામાં 2018માં આયોજિત પેરા ગેમ્સમાં ભારત માટે ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત એકતા ભ્યાન 2020 ટોક્યો પેરાલિમ્પિક માટે પણ ક્વોલીફાય થઇ ચૂકી છે.
એકતા ભ્યાન જન્મથી જ અપંગ નથી. તે તો ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને જીવી રહી હતી. પરંતુ 2003માં હરિયાણાના સોનેપત જીલ્લામાં આવેલા કુંડલી શહેર નજીક તેનો અક્સ્માત થયો હતો. દિલ્હી-હરિયાણા બોર્ડર નજીક એક ટ્રકે એકતાની ગાડી સાથે ટક્કર મારી હતી અને તેની કાર ઉંધી વળી ગઈ હતી.
આ અક્સ્માતમાં એકતા ભ્યાનની કરોડરજ્જુ બહુ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગઈ હતી અને તે હવે પોતાનું સમગ્ર જીવન વ્હીલચેર ઉપર જ વિતાવી રહી છે. જો કે જે અક્સ્માતમાં એકતા ભ્યાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી તે જ અક્સ્માતના તેના છ સાથી વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.
એકતા ભ્યાનના ગોલ્ડ સાથે ભારતના આ સ્પર્ધામાં કુળ 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ થયા છે.