પહેલગામ હુમલાને એક વર્ષ થવા આવ્યું… હજુ પણ મુખ્ય આતંકીઓ પકડથી બહાર

Pahalgam Attack: એક વર્ષ પહેલાં, 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામની બૈસારન વેલીમાં એક ભયાનક આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ પ્રવાસીઓ પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ગ્રુપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલો હતો.
ભારત સરકારે તરત આ હુમલાનો જવાબ આપ્યો. મે 2025માં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકી કેમ્પ પર મિસાઈલ હુમલા કર્યા. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઘણા કેમ્પ નષ્ટ થયા. NIAએ પણ તપાસ કરીને આ બંને જૂથોને આ હુમલાના આરોપી ઠેરવ્યા.
પરંતુ એક વર્ષ પછી પણ આ હુમલાના મુખ્ય આતંકીઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર હજુ પણ પકડાયા નથી.
પાકિસ્તાન કહે છે કે હાફિઝ સઈદ લાહોરની કોટ લખપત સેન્ટ્રલ જેલમાં છે અને તે 2019થી આતંકવાદી ફંડિંગના કેસમાં 46 વર્ષની સજા ભોગવી રહ્યો છે. પરંતુ અનેક રિપોર્ટ્સ કહે છે કે તે જેલમાં નથી, પરંતુ તે લાહોરમાં એક હાઈ-સિક્યોરિટી સુરક્ષા સાથે આરામથી રહે છે. પહેલગામ હુમલા પછી તેની સુરક્ષા વધારી દેવાઈ છે.
મસૂદ અઝહર વિશે પાકિસ્તાન કહે છે કે તે અફઘાનિસ્તાનમાં છે અને તેમને તેની ખબર નથી. પરંતુ ભારતીય ઇન્ટેલિજન્સ અને અહેવાલો અનુસાર તે પાકિસ્તાન અથવા PoKમાં છુપાયેલો છે અને પાક આર્મી/ISIના સુરક્ષા હેઠળ હોઈ શકે છે. ભારતે વારંવાર આ બંનેને સોંપવાની માગ કરી છે, પરંતુ પાકિસ્તાન તેને નકારી રહ્યું છે.
બીજી તરફ પહેલગામમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને પ્રવાસીઓ ધીમે ધીમે પરત ફરવા લાગ્યા છે, જેના કારણે ટુરિઝમ ફરી ગતિ પકડી રહ્યું છે. છતાં એક સવાલ હજુ પણ ઉભો છે કે, જ્યારે હુમલાના માસ્ટર માઈન્ડ હજુ પણ આઝાદ ફરી રહ્યા છે, ત્યારે સંપૂર્ણ સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થઈ શકે?
પહેલગામના શહીદોના પરિવારો હજુ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. આતંકીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત છે, જ્યારે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે.
આ પણ વાંચો: “પત્ની અને બાળકોનો ખર્ચ ના ઉઠાવી શકો, તો લગ્ન ન કરો”, અલ્હાબાદ હાઇકોર્ટે પતિની અરજી નામંજૂર કરી












