ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

‘લેબનોનમાં પેજર બ્લાસ્ટ મારા આદેશ પર થયા હતા’ PM નેતન્યાહુએ સ્વીકારી હુમલાની યોજના!

  • નેતન્યાહુએ રવિવારે પુષ્ટિ કરી હતી કે તેમણે લેબનોનમાં પેજર ઓપરેશનને લીલીઝંડી આપી હતી: પ્રવક્તા

નવી દિલ્હી, 11 નવેમ્બર: લેબનોનમાં પેજર હુમલાને લઈને પ્રથમ વખત ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે રવિવારે પુષ્ટિ કરી છે કે, તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી ગ્રુપ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર પેજર હુમલા કરાવ્યા હતા, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 3,000થી વધુ ઘાયલ થયા હતા. નેતન્યાહુના પ્રવક્તા ઉમર દોસ્તરીએ જણાવ્યું હતું કે, “નેતન્યાહુએ રવિવારે પુષ્ટિ કરી હતી કે તેમણે લેબનોનમાં પેજર ઓપરેશનને લીલીઝંડી આપી હતી.”

આ વર્ષે સપ્ટેમ્બર 17 અને 18ની વચ્ચે, ઈરાન સમર્થિત આતંકવાદી ગ્રુપ હિઝબુલ્લાહ સાથે જોડાયેલા હજારો પેજર્સ અને વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સ માત્ર 30 મિનિટમાં વિસ્ફોટ થયા હતા, હિઝબુલ્લાહ લડવૈયાઓ ઇઝરાયેલી રડારથી બચાવવા માટે GPS, માઇક્રોફોન અને કેમેરા વગરના પેજર્સનો ઉપયોગ કરી રહ્યા હતા.

PM આદેશ પર બેરૂતમાં હુમલો

રવિવાર 10 નવેમ્બરના રોજ કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નેતન્યાહુએ એ પણ સ્વીકાર્યું કે, ઇઝરાયેલી સૈન્યએ સીધા આદેશ પર બેરૂતમાં ચોક્કસ હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહનું મૃત્યુ થયું હતું. અહેવાલોમાં નેતન્યાહુને ટાંકીને જણાવ્યા મુજબ,  “પેજર ઓપરેશન અને (હસન) નસરલ્લાહની હત્યા સંરક્ષણ સંસ્થાનના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય ક્ષેત્રમાં તેમના માટે જવાબદાર લોકોના વિરોધ છતાં કરવામાં આવી હતી.”

લેબનોને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, તેમણે ઘાતક હુમલાઓ અંગે UN શ્રમ એજન્સીને ફરિયાદ નોંધાવી છે, જેમાં ઇઝરાયેલ પર માનવતા અને ટેકનોલોજી સામે ભયંકર યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

ઈરાને પણ ઈઝરાયેલ પર કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે, લેબનોનમાં ઈઝરાયેલના ઓપરેશન અને હિઝબુલ્લાના વડાની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોથી બોમ્બ ધડાકા કર્યા હતા, જેમાં સૈન્ય સંસ્થાઓ સહિત તેના મુખ્ય વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGS) અનુસાર, ઇરાને ઇઝરાયેલ સામેના હુમલામાં તેની હાઇપરસોનિક ફતાહ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, જેમાં 400થી વધુ પ્રોજેકટાઇલ તેમના ટાર્ગેટ પર લાગ્યા હતા. જો કે, ઈઝરાયેલે ઈરાનના દાવાને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, મોટાભાગની મિસાઈલો ઈઝરાયેલ અને USના નેતૃત્વ હેઠળના સંરક્ષણાત્મક જોડાણ દ્વારા અટકાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હમાસ દ્વારા ઇઝરાયેલ પર અભૂતપૂર્વ હુમલો કરવામાં આવ્યા બાદ મધ્ય પૂર્વમાં એક વર્ષથી વધુ સમયથી અશાંત સુરક્ષા સ્થિતિ છે, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલાએ ગાઝામાં યુદ્ધને વેગ આપ્યો, જેમાં 41,000થી વધુ લોકો માર્યા ગયા. લેબનોન અને ઈરાનમાં પણ ઈઝરાયેલના હુમલા ચાલુ છે.

હિઝબુલ્લાહનો વધુ એક કમાન્ડર માર્યો ગયો

અહેવાલો મુજબ, હિઝબુલ્લાહ કમાન્ડર સલીમ જમીલ અય્યશ તાજેતરમાં જ ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. સોશિયલ મીડિયા પરના અપ્રમાણિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીરિયન શહેર અલ-કુસૈર નજીકના હુમલામાં અય્યશ માર્યો ગયો હતો. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકાએ જેના માથા પર $10 મિલિયનનું ઇનામ રાખ્યું હતું તે અય્યશ હિઝબુલ્લાહના યુનિટ 151 હત્યાકાંડનો વરિષ્ઠ સભ્ય હતો. 2020માં, અય્યશને 2005માં બેરૂતમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં લેબનીઝના ભૂતપૂર્વ વડાપ્રધાન રફીક હરીરીની હત્યા માટે UN-સમર્થિત ટ્રિબ્યુનલ દ્વારા ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ જૂઓ: છત્તીસગઢના સીતાનદી રિઝર્વમાં શિકારીઓએ હાથીઓના ગ્રુપ પર બોમ્બથી કર્યો હુમલો, જૂઓ વીડિયો

Back to top button