કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

પદ્મિનીબાએ પલટી મારતા કહ્યું, કોંગ્રેસને વોટ દેવાથી ફાયદો નથી સંકલન સમિતિ ડરી ગઈ

રાજકોટ, 30 એપ્રિલ 2024, ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબાએ આજે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરતી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે. સંકલન સમિતિના 5 સભ્યને બંગડી પહેરાવવાની ચીમકી ઉચ્ચારીને આડાહાથે લીધા હતા. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી ત્યારે સંકલન સમિતિ વિરોધમાં હતી, પરંતુ આજે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં અંગે ટિપ્પણી કરી છે ત્યારે સંકલન સમિતિ શા માટે વિરોધ કરતી નથી. ક્ષત્રિય સમાજને તેમણે કોંગ્રેસની આંદોલન સમિતિ ગણાવી હતી, ક્ષત્રિય સમાજ એ બહેનો-દીકરીઓના સ્વાભિમાન માટે લડત ચલાવવી હોય તો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને પણ મત ન આપવો જોઈએ.એમ તેમણે કહ્યું હતું.

સ્વાભિમાનની લડત ચાલુ હોય એવું હાલ મને લાગતું નથી
પદ્મિનીબા વાળાએ મીડિયાને જણાવ્યું હતું કે બહેનો-દીકરીઓ માટે સ્વાભિમાનની લડત ચાલુ હોય એવું હાલ મને લાગતું નથી. પુરુષોત્તમ રૂપાલાએ બફાટ કર્યો હતો, એનો વિરોધ તો ચાલુ જ છે, પરંતુ હવે રાજકારણ આવી ગયું છે. હાલમાં જ કોંગ્રેસના રાહુલ ગાંધી રાજા-રજવાડાં વિશે બોલ્યા ત્યારે તેમને પૂછવા માગું છું કે તમારું મોસાળ કઈ જગ્યાએ છે? અને રાજા-રજવાડાં અફીણ પીને પડ્યા રહેતા હતા એવો બફાટ કરતા આમ આદમી પક્ષના ઉમેશ મકવાણાને પણ પૂછવાનું કે આપના નેતા જેલમાં છે તો એ કયાં કારણોથી છે?

હું ભાજપમાં હતી છતાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો
તેમણે જણાવ્યું હતું કે જો બહેન-દીકરીઓના સ્વાભિમાન માટેની લડત ચલાવતા હોઈએ તો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને મત ન આપવો જોઈએ. સમાજને હાથો બનાવવામાં આવી રહ્યો છે અને તેથી સમાજ હાંસીપાત્ર બની ગયો છે. રૂપાલાનો જેમ વિરોધ કરવામાં આવ્યો એ રીતે રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાનો પણ વિરોધ કરવો જોઈએ. સંકલન સમિતિ ઝંડા લઇને બેસી ગઇ છે. તો રાહુલ ગાંધી પાસે માફી મગાવવી જોઈએ. પદ્મિનીબાએ ભાજપનો ખેસ પહેર્યો હોવાના આક્ષેપ મામલે તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં હતી છતાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો, ત્યાર બાદ મેં રાજીનામું આપી દીધું હતું.

ક્ષત્રિય સમાજ સાથે આ લડતમાં જોડાયેલી રહીશ
તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ હવે કોંગ્રેસની સમિતિ બની ગઈ હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. સંકલન સમિતિ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું, પરંતુ ત્યાર બાદ સામાજિક સ્વરૂપે આ લડત ચાલુ છે, કારણ કે લોકોએ આ લડતને સ્વયંભૂ રીતે ઉઠાવી લીધી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ માત્ર પુરુષોત્તમ રૂપાલાને બદલે સમગ્ર ભાજપનો વિરોધ શા માટે કરી રહી છે. રાજા-રજવાડાં વિશે બોલનારા તમામનો વિરોધ કરવો જોઈએ. જોકે એવું થયું નથી, જેથી હું હવે સંકલન સમિતિની સાથે નથી, પરંતુ ક્ષત્રિય સમાજ સાથે આ લડતમાં જોડાયેલી રહીશ. આ સાથે જ તેમણે સંકલન સમિતિના 5 સભ્યને બંગડી પહેરાવવાનું એલાન કર્યું હતું.

આ પણ વાંચોઃગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આવતીકાલથી PM મોદી ગજવશે જનસભાઓ

Back to top button