પ્રજાસત્તક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર તરફથી દેશમાં ઉત્તમ કામગીરી અને દેશના કાર્યમાં યોગદાન આપનાર લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના કુલ 10 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે લોકોને પદ્મ વિભૂષણ એવોર્ડ માટે અને 8 લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોતર પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમનું હાલમાં જ અમદાવાદ ખાતે નિધન થયું છે. જેમણે અમદાવાદ સહિત દેશમાં વિવિધ આકર્ષક ડિઝાઇનો આપી છે. આ સાથે જ તેલંગાણાના મૂળ ગુજરાતી કમલેશ ડી.પટેલ પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ થયા છે. તેઓ આધ્યાત્મિક નેતા, લેખક અને આધ્યાત્મિક અભ્યાસની સહજ માર્ગ પ્રણાલીમાં રાજા યોગ માસ્ટર્સ છે.
બીજી તરફ પદ્મશ્રી માટે અમદાવાદના જાણીતા ઉદ્યોગકાર અરીઝ પીરોજશાહ ખંભાતા (મરણોતર) પસંદ થયા છે. તેઓ રસના ગ્રૂપના સ્થાપક છે. ખંભાતાએ 1970ના દાયકામાં ઊંચી કિંમતે વેચાતા સોફ્ટ ડ્રિંક ઉત્પાદનોના વિકલ્પ તરીકે રસના સસ્તું સોફ્ટ ડ્રિંક પેક બનાવ્યું હતું.
આ સાથે જ રાજકોટના ગુજરાતી ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે 6,000 જેટલા લોકગીતો અને ભજનો, 1,500 પ્રાચીન લોકગીતો અને 2000 ગરબાના ગીતો લખ્યા અને ગાયા છે. પદ્મશ્રી એવોર્ડ માટે જેમની પસંદગી કરવામાં આવી છે.
સોરઠની સિદ્દી મહિલા હીરબાઈ લોબીએ મહિલાઓને પગભર કરવામાં પોતાના જીવનનો બહુમુલ્ય સમય ખર્ચી નાખ્યો છે. અત્યાર સુધીમાં તેમણે 700થી વધુ મહિલાઓની જિંદગી બદલી નાખી છે. અત્યાર સુધીમાં તેમને રિલાયન્સ તરફ્થી રીયલ એવોર્ડ, જાનકી દેવીપ્રસાદ બજાજ પુરસ્કાર, ગ્રીન એવોર્ડ અને 2022 નેધરલેન્ડ તરફ્થી એવોર્ડ મળ્યો છે.
તો અમદાવાદના મહિપત કવિએ 1975માં અમદાવાદ, ગુજરાતમાં પપેટ્સ અને નાટકોની સ્થાપના કરી અને તે લેખક, કઠપૂતળી, સંગીતકાર, અનુવાદક અને શિક્ષક છે. તેમણે એકસોથી વધુ કઠપૂતળી નાટકો લખ્યા છે.
અમદાવાદના ભાનુભાઈ ચિતારાએ કલમકારી કળાના સાતમી પેઢીના કલાકાર જેમણે ભારતની ચારસો વર્ષ જુની માતાની પછેડી કળાને જીવંત રાખવા પોતાનુ આયખું અર્પણ કરેલું છે. મહાભારત અને રામાયણની પૌરાણિક કથાઓને એક સ્વતંત્ર ચિત્ર સ્વરૂપે જીવંત કરતી આ કળાને જીવંત રાખી છે.
આ પણ વાંચો : પદ્મ પુરસ્કારોની જાહેરાત, ગુજરાતની 3 હસ્તીઓને પદ્મશ્રી
ડો.મહેન્દ્ર પાલ આણંદના નારાયણ કન્સલ્ટન્સી ઓન વેટરનરી પબ્લિક હેલ્થ એન્ડ માઇક્રોબાયોલોજીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરે છે. તેઓ પાસે શિક્ષણ, સંશોધન, રોગ તપાસ, આયોજન અને વહીવટમાં 50 વર્ષથી વધુનો અનુભવ છે.
આદિવાસી જિલ્લાના કવાંટ તાલુકાના રહેવાસી પીઠોરાના લખારા પ્રખ્યાત ચિત્રકાર પરેશભાઈ રાઠવા દેશ વિદેશમાં બાબા પીઠોરાના ચિત્રો બનાવી આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પ્રણાલીને ઉજાગર કરી છે. જેઓ પીઠોરા લિપીના નિષ્ણાત છે. હજારો વર્ષ જૂની આદિવાસીઓ પીઠોરા દેવની લીપી ઉપર અભ્યાસ કરી આદિવાસી પીઠોરનું ચિત્રકામ કરી સમગ્ર દેશમાં એક ઓળખ ઉભી કરી છે.