તાપી: ગુજરાતમાં અનેક જોવાલાયક પર્યટન સ્થળો આવેલા છે. જેમાં મંદિરો, સ્મારકો અને કુદરતી સૌદર્યથી ભરપુર એવા અનેક સ્થળોનો સમાવેશ થાય છે. પરંતુ આજ અમે તમને મુલાકાત કરાવી રહ્યા છે રાજ્યની પહેલી પ્લાસ્ટિક મુક્ત ઈકો-ટૂરિઝમ કેમ્પસાઈટ પદમડુંગરીની. જી હા તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા વન વિભાગ હસ્તકની ઉનાઈ રેન્જમાં આવેલા પદમડુંગરી ઈકો-ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બવાવવાનો સૌથી મોટો શ્રેય જો કોઈના ફાળે જતો હોય તો તે છે ત્યાની સ્થાનિક મહિલાઓ અને વનવિભાગ.રાજ્યભરમાં સરકાર દ્વારા જંગલ વિસ્તારોમાં અનેક સ્થળોએ ઈકો ટુરીઝમ સાઈટો વિકસાવવામાં આવી છે. આ ઈકો ટુરીઝમ સાઈટો વારે તહેવારે તેમજ રજાના દિવસોમાં પ્રવાસીઓથી ઉભરાય જતી હોય છે. પ્રવાસીઓ માટે પ્રકૃતિને માણવા અને જાણવા માટે ઈકો ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે. પિકનિક સ્થળ બનેલી ઈકો ટુરીઝમ સાઈટ પર લોકોના પ્લાસટિકના કચરાને ઘટાડી પ્લાસ્ટિક મુક્ત બનાવવા વન વિભાગ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે પ્રવાસીઓને ઈકો ટુરિઝમની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ પ્રવાસીઓને કાચની બોટલમાં પાણી આપવાનો અખતરો પણ કરવામાં આન્યો છે.
- તાપી વન વિભાગની પહેલઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત
વનવિભાગે પરિસરમાં જ ‘અંબિકા ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ’ની સ્થાપના કરી છે
અંબિકા નદીના પાણીને નેનો ટેકનોલોજીથી શુદ્ધ કરી ગ્લાસ બોટલમાં અપાય છે
ઈકો ટુરીઝમ જાણે પ્રવાસીઓ માટે પિકનિકના સ્થળ બની ગયા
સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત હાથ ધરાઈ
વનવિભાગે પરિસરમાં જ ‘અંબિકા ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ’ની સ્થાપના કરી
પદમડુંગરી ઇકો-ટુરિઝમ સેન્ટરે ઇકો-ટુરિઝમ સાઇટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’બનાવવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.પર્યાવરણ બચાવવા અંબિકા નદીના પાણીને શુદ્ધ કરી બોટલિંગનો પ્લાન્ટ કાર્યરત કરાયો છે અને ત્યાં આવતા પ્રવાસીઓને હાલ પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. કેમ્પસાઈટ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને ખૂબ જ ગંભીરતાથી લે છે અને ખાતરી કરે છે કે આવી કોઈ વસ્તુ પરિસરમાં પ્રવેશે નહીં.
આદિવાસી મહિલાઓની અનોખી પહેલ
ગુજરાતનાં આ સોથી મોટા પદમડુંગરી ઈકો ટુરિઝમમાં આવતાં પ્રવાસીઓ કાચની બોટલમાં પાણી આપવાનાં નુસખામાં ગામની જ સખી મંડળની બહેનોની મુખ્ય ભૂમિકા રહેલી છે. પદમડુંગરી ગામની જ 11 જેટલી બહેનો અંબિકા નદીમાંથી પાણીને પ્યૂરીફાય કરીને કાચની બોટલોમાં પેક કરીને પદમડુંગરી ઈકો ટુરિઝમમાં આવતાં પ્રવાસીઓ માટે વેચાણ અર્થે મૂકી રહી છે. અંબિકા નદીનાં તટ પર હરિયાળા જંગલમાં છેલ્લાં પંદરેક વર્ષથી વિકસાવવામાં આવેલા આ ઈકો ટુરિઝમની મુલાકાતે અમદાવાદ, સુરત,વડોદરા સહિતના શહેરોમાંથી પ્રવાસીઓ આવતાં હોય છે.
પ્રકૃતિને જાણવા અને માણવાની તક મળશે
ઈકો ટુરિઝમને વનવિભાગે પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા પહેલ ઉપાડી ખાસ કરીને શનિ- રવિની રજાઓમાં તેમજ વારે તહેવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતાં હોય છે અને પોતાની સાથે લાવેલા પ્લાસ્ટિક સહિતનો કચરો અહીં જ છોડીને જતાં હોય છે. હવે આ ઈકો ટુરિઝમને વનવિભાગે પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા પહેલ કરી છે. અહીં આવતાં પ્રવાસીઓને અંદર પ્રવેશતાં પહેલાં પ્રવાસીઓની બેગ કડકાઈથી ચેક કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારનાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રવાસીઓને સાથે લઈ જવા દેવામાં આવતાં નથી, જેનો પ્રવાસીઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં નજીકમાં અંબિકા નદી છે જ્યાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.શહેરના ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર અહીં તમને પ્રાકૃતિક આહ્લાદક વાતાવરણનો અનુભવ થશે. શહેરમાંથી અહીં પહોંચેલા લોકોને થોડી નવાઈ લાગશે પણ અહીંની સંસ્કૃતિને જાણવાની અને માણવાનો એક અલગ આનંદ આવશે.
જળ-જંગલ અને જમીન પ્રત્યે સંવેદનશીલ બનો
પ્લાસ્ટિકમુક્ત પરિસર બનાવવાના વિચારને વહેતો મૂકનાર, ઉત્સાહી અને કર્મઠ પરિક્ષેત્ર વન અધિકારી રૂચિ દવે જણાવે છે કે, ઈકોટુરિઝમ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય પિકનિક નહીં, પણ લોકોને આપણાં જળ-જંગલ અને જમીન પ્રત્યે સંવેદનશીલ બનવવાનો છે, અને પ્રકૃતિ શિક્ષણ થકી લોકો તેની રક્ષા કરે તે સમજાવવાનો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી જનજાગૃત્તિ અને પ્રકૃત્તિ શિક્ષણ તરફનો અમારો નાનકડો પ્રયાસ છે અને લોકોએ તેને ઉમળકાભેર આવકાર્યો છે. પરિવહન સાથે સંલગ્ન કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પણ આ પહેલ ઉપયોગી બનશે. વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદ કુમારે ‘અંબિકા વોટર’ની સફળતા અંગે જણાવ્યુ હતુ કે, બોટલિંગ પ્લાન્ટમાં નદીના કુદરતી ખનિજ-સમૃદ્ધ પાણીને ફિલ્ટર અને ટ્રીટમેન્ટ સાથે અલગ અલગ ભૌતિક, રાસાયણિક અને જૈવિક શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. સાથોસાથ પાણીમાં તુલસી, ફુદીનો, આદુ અને વરિયાળી જેવા હર્બલ અર્કની થોડી માત્રા ઉમેરવામાં આવે છે, જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. પેકેજીંગ પૂર્વે બોટલોને સારી રીતે સાફ અને સેનિટાઈઝ પણ કરવામા આવે છે. આમ, પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટની વધતી લોકપ્રિયતા અને અહીં આવતા પ્રવાસીઓને વાસ્તવિક અર્થમા આ પરિસરને જ નહીં, પણ તેમના ગામ કે શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટેનો મૂક સંદેશ અને પ્રેરણા આપે છે.