તો અલ્પેશ કથીરિયા આગામી દિવસોમાં ‘કેસરિયો’ ધારણ કરશે
રાજ્યમાં ચૂંટણીની જાહેરાત અંગે ધમધમાટ ચાલી રહી છે ત્યારે જોડતોડનું રાજકારણ પણ સક્રિય થઈ રહ્યું છે. આ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો સામે આવી રહી છે.
ઘણાં લાંબા સમયથી હાર્દિક પટેલના નજીક ગણતાં અલ્પેશ કથીયરિયા રાજકારણમાં સક્રિય થાય તેવી વાતો સામે આવી રહી હતી. જેમાં હવે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી શક્યતાના પગલે ખળભળાટ મચી ગયો છે. PAAS કન્વીનર અને હાર્દિક પટેલના મિત્ર પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડે તેવી પણ વાતો સામે આવી હતી પણ આખરે તેવું શક્ય ન બન્યું હતું.
આ પણ વાંચો : આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા લગભગ નહિવત
PAAS નેતા અલ્પેશ કથીરિયા પાટીદાર આગેવાન અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે વાતચીત કર્યા બાદ આગામી દિવસોમાં નિર્ણય જાહેર થઈ શકે છે. એટલું જ નહીં 19 ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નરેશ પટેલની બેઠક યોજાવવાની છે. આ બેઠક બાદ કથીરિયા પણ નરેશ પટેલ સાથે ચર્ચા કરશે અને ભાજપમાં સામેલ થવાના નિર્દેશ આપે તેવી પ્રબળ શક્યતા છે.
અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મુખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો. તેમજ સુરતમાં વરાછા વિસ્તારમાં તેમનું પ્રભુત્વ રહેલું છે. જેની અસર સુરતની 4 બેઠકો કરંજ, કતારગામ, કામરેજ અને વરાછા વિધાનસભા બેઠક ઉપર પડી શકે છે અને તેનો લાભ ભાજપને સારી રીતે થાય તેમ છે.
ખાસ વાત એ છેકે લાંબા સમયથી અલ્પેશ ભાજપના નેતાઓના સંપર્કમાં આવી રહ્યા છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે ભાજપ વધુ સરસાઈથી જીત મેળવવા અલ્પેશ કથીરિયાને સામેલ કરે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ, ભાજપે કહ્યું, ‘નીચ માનસિક્તા AAPના લોહીમાં છે’