ટ્રેન્ડિંગનેશનલ

આમ આદમી પાર્ટી દ્વારા સુંદરકાંડ કાર્યક્રમ શરૂઃ ઓવૈસીએ માર્યો ટોણો

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2024: આમ આદમી પાર્ટી દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમોમાં AAPના તમામ મોટા નેતાઓ ભાગ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પત્ની સાથે રોહિણી જશે. આ ઉપરાંત, આજે દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે ચિરાગ દિલ્હીમાં આયોજિત સુંદરકાંડ પાઠના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 22 જાન્યુઆરીએ આમંત્રણ મળશે કે નહીં તે અંગે હું કશું જાણતો નથી. પરંતુ દિલ્હી સરકાર રામ મંદિર પ્રાાણ પ્રતિષ્ઠાના અવસર પર એક કાર્યક્રમું આયોજન કરશે. બીજી તરફ, સુંદરકાંડ કાર્યક્રમને લઈને બીજેપીથી લઈને AIMIM સહિત અન્ય પાર્ટીના નેતાઓએ આપ પાર્ટી પર પ્રહારો કર્યા છે.

AAPએ બિલ્કીસ બાનો મુદ્દે મૌન સાધ્યું હતું:ઓવૈસી

AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દર મહિનાના પ્રથમ મંગળવારે ‘સુંદરકાંડ’ના પાઠનું આયોજન કરવાના નિર્ણય પર નિશાન સાધ્યું છે. કેજરીવાલને ‘ RSSના છોટા રિચાર્જ’ ગણાવતા ઓવૈસીએ કહ્યું છે કે, આ જ લોકોએ બિલકિસ બાનોના મુદ્દે મૌન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર વાત કરવા માગે છે. ‘X’ પર એક પોસ્ટમાં ઓવૈસીએ કેજરીવાલ પર સંઘના એજન્ડાને સમર્થન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ઓવૈસીએ X પર લખ્યું છે કે, RSSના છોટા રિચાર્જે નક્કી કર્યું છે કે, દિલ્હીની દરેક વિધાનસભા વિસ્તારમાં દર મહીનાના પ્રથમ મંગળવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. આ નિર્ણય 22 જાન્યુઆરીના ઉદ્દઘાટનના કારણે લીધો છે. તમને યાદ અપાવી દઉં કે, આ લોકોએ બિલ્કિસ બાનોના મામલમાં મૌન સેવ્યું હતું અને કહ્યું કે, તેઓ આરોગ્ય અને શિક્ષણની બાબતે જ વાત કરવા ઈચ્છે છે. શું સુંદરકાંડ પાઠ શિક્ષણ અને આરોગ્યને લગતું છે? ખરી વાત એમ છે કે, તેઓ ન્યાયના વિરોધી છે અને સંઘના એજન્ડાને સાથ આપે છે.

ઓવૈસીના નિવેદન પર AAPનો વળતો પ્રહાર

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી દ્વારા કેજરીવાલ પર સવાલો ઉઠાવવા અને તેમને ‘છોટા રિચાર્જ’ ગણાવતા AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કોઈ નેતાના પ્રમાણપત્રની જરૂર નથી. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તે ભગવાન રામ અને બજરંગવાલીના આશીર્વાદ લે છે. આ ઉપરાંત તેઓ તીર્થયાત્રા પણ ચલાવી રહ્યા છે.

ભાજપે AAPના સુંદરકાંડ પર સવાલ ઉઠાવ્યા

BJP પ્રવક્તા બંસુરી સ્વરાજે દિલ્હીમાં સુંદરકાંડના પાઠ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલ ભગવાન રામ અને સુંદરકાંડના પાઠને યાદ કરે છે. અગાઉ પણ તેમણે MCDની ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠની જાહેરાત કરી હતી અને હવે તેઓ સામાન્ય ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે.

દિલ્હીમાં AAP 2600 જગ્યાએ પાઠ કરાવશે

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સુંદરકાંડના પાઠ કાર્યક્રમમાં AAPના તમામ મોટા નેતાઓ ભાગ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પત્ની સાથે રોહિણી જશે. જ્યારે ભાજપે આ અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે AAPએ કહ્યું કે કોઈપણ પક્ષ હિંદુઓનો ઠેકેદાર નથી. આ ઉપરાંત, આગામી સપ્તાહથી દર મંગળવારે વિધાનસભા મતવિસ્તારો અને મ્યુનિસિપલ વોર્ડ સહિત 2600 સ્થળોએ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.

આ પણ વાંચો: રામ મંદિરમાં આજથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભારંભ, 18મીએ ગર્ભગૃહમાં મુકાશે મૂર્તિ

Back to top button